સચીન, ગાંગુલી અને લક્ષ્મણે કોચની પસંદગી માટે નાણાં માગ્યાં નથી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે કે જેમાં ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ ભારતીય ટીમના ચીફ કોચની પસંદગી માટે મહેનતાણું માગ્યું હતું. બોર્ડે આ અહેવાલને બેબુનિયાદ અને દુર્ભાવનાપૂૂર્ણ ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિ ઇચ્છે છે કે કોચની પસંદગી કરવા બદલ તેમને પેમેન્ટ મળવું જોઇએ.
ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર (સીઇઓ) રાહુલ જોહરીએ એક યાદીમાં જણાવ્યું હતું કે ક્રિકેટ બોર્ડ આ અંગે સ્પષ્ટતા કરવા માગે છે કે આવો કોઇ દાવો કરવામાં આવ્યો નથી. અખબારોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારો સંપૂર્ણપણે બેબુનિયાદ અને તેમાં કોઇ તથ્ય નથી.

રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણ પૂર્વ ક્રિકેટરોએ જોહરીને કહ્યું હતું કે તેઓ પોતાની સેવાઓ માનદ સ્વરૂપે આપવા માગતા નથી. બીસીસીઆઇએ જણાવ્યું છે કે આ લેખનો વિષય સંપૂર્ણપણે દુર્ભાવનાપૂર્ણ છે અને ભારતીય ક્રિકેટના આ પૂર્વ મહાન ખેલાડીઓના યોગદાનને ઓછું આંકવા અને ખોટી રીતે રજૂ કરવાના પ્રયાસ સમાન છે.

તેમણે જણાવ્યું હતું કે બીસીસીઆઇ દોહારાવવા માગે છે કે સીએસીની ભલામણો અને માર્ગદર્શન ભારતીય ક્રિકેટ માટે બહુમૂલ્ય છે, તેમાં યોગ્ય સુધારો કરવા અને આ લેખને હટાવવા માટે અમે અપીલ કરીએ છીએ. સીએસીની રચના બીસીસીઆઇના દિવંગત અધ્યક્ષ જગમોહન દાલમિયાએ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like