સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની બુદ્ધની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ પીસનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે.

રાજ્ય સરકારે અમદાવાદ મહુડી રોડ પર ગાંધીનગરની નજીક સાબરમતી નદીના કિનારે પાંચ એકર જમીન સ્ટેચ્યૂ ઓફ પીસના નિર્માણ માટે ફાળવી દીધી છે. ભગવાન બુદ્ધની વય ૮૦ વર્ષની હોય ને પ્રતિમાની ઊંચાઈ ૮૦ ફૂટની રાખવાનું નક્કી કરાયું છે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ પીસની ડિઝાઈન બનાવવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. તેથી અમદાવાદીઓને મહુડી જવાના રસ્તા સુધીમાં ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડીઅને અક્ષરધામ અને તેનાથી આગળ સ્ટેચ્યૂ ઓફ પીસનું સ્થળ જોવા મળશે.

બૌદ્ધિસ્ટ સંસ્થા સંઘ કાયા ફાઉન્ડેશનના ચેરમેન બૌદ્ધ ભિખ્ખુભન્ત પ્રશીલરત્ન ગૌતમે જણાવ્યું હતું કે સરકારે હવે આ રમણીય અને ધાર્મિક સ્થળ વિકાસવવા માટે જમીન ફાળવી દીધી હોવાથી ઝડપથી તેનું કામ આગળ વધારવામાં આવશે.

આગામી વર્ષ ૨૦૧૯માં દલાઈ લામા ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડનગરમાં બુદ્ધના અવશેષો છે. ૨૫ નવેમ્બરે રાજ્યમાં બુદ્ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં ઈટાલી, મલેશિયા, શ્રીલંકા, બેંગકોક, થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકાથી મહેમાનો આવશે.

આ અંગે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાપત્ય કળાથી સમૃદ્ધ બુદ્ધ વારસો છે. પ્રાચીન અવશેષો છે. અહીં ભગવાન બુદ્ધની પ્રતિમા અને સ્મારક બનશે તો લોકો પણ તેનાથી મહિતગાર થશે. અત્યારે જુનાગઢ એ ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોકની નગરી કહેવાય છે. વડનગરમાં પણ દેવની મોરી ખાતે ભગવાન બુદ્ધના અનેક પ્રાચીન અવશેષો જોવા મળ્યા છે.

You might also like