સાબરમતી સ્વિમિંગપૂલનું કામ મહિનાઓથી ખોરંભેઃ હવે નવું ટેન્ડર બહાર પડશે

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાતા સાબરમતી વોર્ડના નાગરિકો માટે આ સારા સમાચાર છે. આ વિસ્તારનું જૂનું સ્નાનાગાર એક અથવા બીજા કારણથી નવાં ક્લેવર અપનાવી શકતું ન હતું, પરંતુ આ સ્નાનાગાર આડેની તમામ અડચણો હવે દૂર થઇને તેને મિની ઓલિમ્પિક સ્તરનું બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
સાબરમતી વિસ્તારમાં કોર્પોરેશનનો હયાત સ્વિમિંગપૂલ વર્ષોજૂનો હોવાથી સ્થાનિક લોકોની આશા-અપેક્ષા સંતોષી શકે તેમ ન હતો, જેના કારણે સત્તાવાળાઓએ તેના રિનોવેશનની ક્વાયત આરંભી હતી. આ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર પણ અપાઇ ગયો હતો.

મેયર ગૌતમ શાહના હસ્તે સાબરમતી સ્વિમિંગપૂલના રિનોવેશનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરાતાં સ્થાનિક લોકો વહેલામાં વહેલી તકે સ્વિમિંગપૂલનો લાભ મળતો થશે તેવી આશામાં રાચતા હતા, પરંતુ અગમ્ય કારણસર કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટમાં રસ ન દાખવ્યો તો બીજી તરફ સ્વિમિંગપૂલની ડિઝાઇન સામે પ્રશ્નો ઉદ્ભવ્યા.

પરિણામે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નવેસરથી ડિઝાઇન બનાવવા આપી. તંત્રની નવી ડિઝાઇનથી સાબરમતીનું જૂનું સ્નાનાગાર પ૦ મીટર લંબાઇનું મિની ઓલિમ્પિક સ્તરનું બનવાનું છે. મૂળ ડિઝાઇનમાં નવા ફેરફાર કરાતાં બજેટમાં આશરે પ૦ થી ૬૦ લાખ રૂપિયાનો વધારો થયો છે એટલે નવી ડિઝાઇન અને નવી ડિઝાઇન હેઠળના નવા બજેટ મુજબની નવી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવાની હિલચાલ આરંભાઇ ગઇ હોઇ આગામી દશેક દિવસમાં નવાં ટેન્ડર બહાર પડી જશે.
http://sambhaavnews.com/

You might also like