સાબરમતી રિવર ફ્રન્ટના ચાર પ્લોટની જાહેર હરાજી કરાશે

અમદાવાદ: સાબરમતી રિવર ફ્રન્ટમાંના બંને કિનારે આવેલી ૧૪ હેકટર જમીનમાં બહુમાળી ટાવરોનું નિર્માણ કરવાની ભવ્ય યોજના પૈકી આગામી ૧૫ દિવસમાં ચાર પ્લોટ વેચવાની પ્રક્રિયા શરૂ થશે. જેમાં બે પ્લોટ પૂર્વ કિનારે અને બે પ્લોટ પશ્ચિમ કિનારે વેચાણ કરીને સાબરમતી રિવરફ્રન્ટ લિ. કરોડો રૂપિયા એકત્ર કરશે.

મ્યુનિ. કમિશનર ડી. થારાએ આ અંગે મ્યુનિ. અંદાજપત્રમાં પણ પ્લોટ વેચવાની જાહેરાત કરી હતી. રિવર ફ્રન્ટના ચાર પ્લોટનાં નિલામ (હરાજી)ની અપસેટ પ્રાઇસ અને સર્વે નંબરની કામગીરી શરૂ કરાઇ છે. ૭૦ ટકા સર્વે નંબરની કામગીરી પૂરી થઇ હોવાનું મ્યુનિ. કમિશનર ડી. થારાએ જણાવ્યું હતું.

સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડની બેઠકમાં ચાર પ્લોટની જાહેર હરાજી કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં હરાજી અંગે બહોળો પ્રચાર કરીને વધુને વધુ નાણાં હરાજીમાં ઊપજે તેવા પ્રયાસો કરાશે. આ માટે દેશભરની ખ્યાતનામ કન્સ્ટ્રકશન કંપનીઓને આમંત્રણ અપાશે.

You might also like