ગાંધી તેરી સાબર મૈલી!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ લોકોને આંજી નાખવા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટની ચકાચોંધ પાછળ અત્યાર સુધીમાં રૂ.૧૬૦૦ કરોડનું આંધણ કર્યુું છે. નાગરિકોને આકર્ષિત કરવા તંત્ર ફલાવર ગાર્ડન, બાયો ડાયવરસીઠી પાર્ક જેવા નવા નવા ગતકડાં કરે છે. પરંતુ સાબરમતી નદીમાં ધોળે દહાડે ઠલવાતા કરોડો લિટર દુષિત પાણીને અટકાવવા માટે આંખ આડા કાન કરે છે. આના દુષ્પરિણામ રૂપે જે સાબરમતી નદીના તટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આશ્રમ સ્થાપીને અંગ્રેજ હકુમતને હચમચાવી નાખનારી દાંડીકૂચ આરંભી હતી તેવા બાપુની પ્રિય સાબરમતી નદી મેલી બની છે. જો સત્તાવાળાઓ વેળાસર નહીં ચેતે તો આગામી પેઢી માટે સાબરમતી નદીના નીર અમૃતને બદલે ઝેર સમાન બની જશે.

કોર્પોરેશનના સત્તાવાળાઓએ સુભાષબ્રિજપાસેના રેલવે બ્રિજથી વાસણા બેરેજ સુધીનો સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારો ધરાવતો ૧૧.પ૦ કિ.મી. લંબાઇના પટ્ટામાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હાથ ધરીને અનેક એવોર્ડ મેળવ્યા છે. જોકે આ સમગ્ર પ્રોજેકટ સતત વિવાદોમાં રહ્યો હોઇ ખાસ્સા વિલંબથી ચાલી રહ્યો છે અને મ્યુનિ. તિજોરીને કરોડોનો ચૂનો ચોપડાવીને હજુ કોર્પોરેશનને આવક પણ અપાવી શક્યો નથી.

પરંતુ આ સિક્કાની બીજી બાજુ ભયાવહ છે કેમ કે, સાબરમતી ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ શહેરના વિકાસના ઢોલનગારા વગાડનારાઓ નદીમાં દરરોજ ખુલ્લેઆમ ઠલવાતા કરોડો લ‌ીટર દુષિત પાણીને રોકી શક્યા નથી. આ માટે કોર્પોરેશનની સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ એટલું જ જવાબદાર છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ર્વષ ર૦૧પ-૧૬ના અહેવાલ મુજબ સાબરમતી નદી વધુ ને વધુ દુષિત બની છે. જીપીસીબી રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાંથી વિવિધ સ્થળોએથી લીધેલા પાણીની ગુણવત્તા ભારે ચોંકાવનારી છે. સાબરમતી નદી અમદાવાદ શહેરમાં પ્રવેશે તે પહેલા હાંસોલ બ્રિજ પાસે બીઓડી (બાય કેમિકલ ઓક્સિજન ડિમાંડ)ની માત્રા ર.૬ અને સીઓડી (કેમીકલ ઓક્સિજન ડિમાંડ)ની માત્રા ર૩ નોંધાઇ છે. પરંતુ જ્યારે સાબરમતી નદીનું પાણી હાંસોલથી અમદાવાદ શહેરમાંથી પસાર થઇને મિરોલી ગામ પહોંચે છે. ત્યારે બીઓડીની માત્ર ર.૬ માંથી ૪૭.૦પ અને સીઓડીની માત્ર ર૩થી વધી૧૭૦ થઇ જાય છે.

એટલે કે બીઓડીમાં ૧૯ ગણો અને સીઓડીમાં ૭.પ ગણો વધારો થાય છે. અમદાવાદમાંથી પસાર થતી વખતે નદીમાં ઠલવાતા કરોડો લીટર પ્રદુષિત પાણીના કારણે હાંસોલ બ્રિજ ખાતે જે પાણીની ગુણવત્તા બી ગ્રેડ અને પાણીનો રંગ આછો વાદળી હતો તે મિરોલી ગામ અને વૌઠા પહોંચતા પાણીની ગુણવત્તા સી ગ્રેડ અને પાણીનો રંગ લીલો થઇ જાય છે. બીજા અર્થમાં સાબરમતી નદીના પાણીની સતત વધતી જતી અશુદ્ધતા આવનારી પેઢીના ભવિષ્ય માટે અત્યારથી જોખમી બની રહી છે.

કોર્પોરેશનનો ઇન્ટરસેપ્ટર લાઇન પ્રોજેકટની નિષ્ફળતા તેમજ નરોડાથી ઓઢવ, નિકોલ, થઇને પિરાણા પાસે નદીમાં દરરોજ ઠલવાતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના દશ કરોડ લીટર અને વટવા, ઓઢવ, નરોડા ઇન્ડસ્ટ્રીયની મેગા પાઇનલાઇનના દરરોજના પાંચ કરોડ લીટર દુષિત પાણીના કારણે સાબરમતી નદી મેલી થતી જ જાય છે. મેગાપાઇપ લાઇનમાં ડ્રેનેજ લાઇનના ગેરકાયદે જોડાણોની ભરમાર છે. આ બાબતથી કોર્પોરેશન અને જીપીસીબીને જાણ હોવા છતાં નદીને પ્રદૂષિત થતી અટકાવવા સત્તાવાળાઓ કોઇ અસરકારક પગલાં લેતા નથી. હાંસોલ બ્રિજ પાસેની મધર ડેરીનું પણ દૂષિત પાણીને તંત્ર નદીમાં ઠલવાતા રોકી શક્યું નથી. આમ બધી રીતે નદીમાં દરરોજ ૧ર.પ૦ લાખ લીટર દુષિત પાણી ઠલવાઇ રહ્યું છે.

દરમ્યાન અમદાવાદ અને આસપાસના ઔદ્યો‌ગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં છોડાતું દુષિત પાણીને અટકાવવામાં કોર્પોરેશન તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિષ્ફળ રહ્યું છે. રિવરફ્રન્ટના વિકાસના ઓઠા હેઠળ આ ગંભીર બાબતે આંખ આડા કાન કરીને સત્તાધીશો માનવ જીંદગી સાથે ચેડા કરી રહ્યા છે તેવા આક્ષ્ેપ પણ ઉઠ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ.મનિષ દોશી કહે છે જીપીસીબીને તમામ બાબતોની જાણ હોવા છતાં ફક્ત અને ફક્ત કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી રીત-રસમોથી લાખો નાગરિકોના જીવન સાથે રમત રમી રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like