ગુજરી બજાર પાસે એસિડવાળું પાણી ઠલવાતાં માછલીઓનાં મોત

અમદાવાદ: શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં આજે વહેલી સવારે હજારો માછલીઓનાં એકાએક મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. એલિસબ્રિજના છેડે આવેલા ગુજરી બજાર પાસે બનેલી આ ઘટનામાં સ્થાનિકોએ મૃત માછલીઓને લેવા માટે રીતસરની લુંટફાટ મચાવી હતી. ઔદ્યોગિક એકમનું એસિડવાળું પાણી નદીમાં છોડાતાં માછલીઓનાં મોત થયાં હોવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ સંભાવના વ્યકત કરી છે. જોકે તંત્ર શહેરમાં ખળભળાટ મચાવી દેવાની આ ઘટનાથી અંધારામાં છે.

વહેલી સવારે સાબરમતી નદીમાંથી એક મહિલાની લાશને ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમે બહાર કાઢી હતી તે સમયે હજારો માછલીઓને મૃત હાલતમાં નદીમાં હોવાના સામાચાર વાયુવેગે વિસ્તારમાં પ્રસરતા લોકોમાં કુતુહલ સર્જાતાં રિવરફ્રન્ટ ટ્રેક પર લોકો આવી ગયા હતા. મૃત માછલીઓને જોતાંની સાથે જ સ્થાનિકોએ નદીમાં જાળ નાખીને માછલી પકડવા માટેની લુંટફાટ મચાવી હતી. યેનકેનપ્રકારેણ નદીમાંથી માછલીઓ કાઢીને પોતપોતાને ઘેરે લઇ ગયા હતા. અંદાજે 3 કલાક કરતાં વધુ લોકોએ નદીમાં માછલીઓ લેવા માટે લુંટફાટ મચાવી હતી. નદીમાં ઔદ્યોગિક એકમનું એસિડવાળું પાણી નદીમાં છોડાતાં માછલીઓનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

ગુજરી બજારમાં વહેલી સવારે થયેલાં માછલીઓનાં મોત અને લુંટફાટ અંગે તંત્ર સૂતું હતું. ખળભળાટ મચાવી દેનારી આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો ખુદ અજાણ હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી ઇજનેર જગદીશ પટેલે જણાવ્યું છેકે 100 કરોડ ના ખર્ચે ઇન્ટરસેપ્ટર લાઇન બિછાવી છે. જેમાં 40 નાળાં જોડાયાં છે. પરંતુ આ ઘટનામાં ક્યાંકથી ઔદ્યોગિક એકમનું એસિડિક પાણી નદીમાં ઠલવાયું હોવાની શક્યતા છે. જેના કારણે પાણીમાં પ્રદૂષણ ફેલાઇને માછલીઓ મૃત પામી હોવાનું સંભાવના છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ઘટનાની હજુ સુધી સત્તાવાર કોઇ જાણ થઇ નથી. તેમ છતાંય તેની તપાસ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like