સાબરમતી પોલીસ સ્ટેશનમાં PSI વગરનો ડિટેકશન સ્ટાફ!

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફને ‌િડટેકશન ઉપર વધુ ભાર આપવા જણાવ્યું છે. શહેરના પોલીસ સ્ટેશનમાં આવેલા ડી સ્ટાફ ઉપર મોટા ભાગે ડિટેકશનનું ભારણ હોય છે ત્યારે સાબરમતી પોલીસ સ્ટેશનનો ડિટેકશન સ્ટાફ હાલ પીએસઆઈ વગરનો થઈ ગયો છે. પીએસઆઈનો ચાર્જ એએસઆઈને સોંપાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિટેકશનની કામગીરીમાં સ્ટાફનો જોઈતો એવો સહકાર ન મળતો હોઈ તેઓએ ચાર્જ છોડી પોલીસચોકી મેળવી લીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં પોલીસ દ્વારા ગુનાખોરીને ઘટાડવા માટે ગુનાખોરીને અંજામ આપતા ગુનેગારોને ઝડપવાની કવાયત શરૂ કરાઇ છે. પોલીસ દ્વારા કોઈ પણ ગુનો બને તો તેનું તાત્કાલિક ડિટેક્શન થાપ તેના પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે તેવામાં હાલ સાબરમતી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. એમ. છાસિયા દ્વારા ડી સ્ટાફ (ડિટેક્શન સ્ટાફ)નો ચાર્જ છોડી અને જવાહર પોલીસચોકીએ ચાર્જ સંભાળી લીધો છે.

પીએસઆઈ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ગુનાઓને ઉકેલવા માટે ડિટેક્શનની કામગીરી કરાય છે, પરંતુ તેઓના સ્ટાફ દ્વારા તેઓને ડિટેકશનની કામગીરીમાં કોઈ સહકાર આપવામાં આવતો નથી, જેના કારણે જોઈએ એવી કામગીરી ન થતી હોઈ અને ડિટેકશન ન થાય તો અધિકારીઓ દ્વારા દોષનો ટોપલો તેમના ઉપર ન ઢોળાય તે માટે તેઓએ ડી સ્ટાફ પીએસઆઈનો ચાર્જ છોડી ચોકીનો ચાર્જ સંભાળ્યો છે અને ડી સ્ટાફનો ચાર્જ એએસઆઈ ઉદેસિંહને સોંપી દેવાયો છે.

You might also like