સાબરમતીમાં બે યુવકોની હત્યાની તપાસ અાખરે ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

અમદાવાદ: શહેરની અંદર ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. ગત રાત્રે જ ચંડોળા તળાવ પાસે યુવકની હત્યા કરાઈ હતી. અગાઉ થયેલી હત્યાના બનાવોમાં હજુ પોલીસ કોઈ પત્તો મેળવી શકી નથી. સાબરમતી વિસ્તારમાં ગત મહિને થયેલી બે હત્યાના કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાઈ છે.

એક મહિનાથી તપાસ કરી રહેલી સાબરમતી પોલીસ આરોપી અથવા તો હત્યાનું કારણ પણ શોધવામાં સફળ ન થતાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી દેવામાં આવી છે, જોકે ક્રાઈમ બ્રાન્ચ પણ હજુ સુધી આ હત્યાઓમાં કોઈ કડી મેળવવામાં સફળ થઈ નથી.

20મી ઓગસ્ટના રોજ સાબરમતી વિસ્તારમાં આવેલા ગાંધી વાસમાં રહેતો ર૩ વર્ષીય જગદીશ ઉર્ફે જગો પરમાર સાબરમતી પોલીસ સ્ટેશન સામે ચપ્પાના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જગદીશના પરિવારજનો આક્ષેપ છે કે સાબરમતી વિસ્તારમાં દારૂ તથા જુગારના અડ્ડા ધમધમે છે અસામાજિક તત્ત્વોનો આતંક છે. જેના કારણે જગદીશની હત્યા થઇ છે. સાબરમતી પોલીસ આ કેસમાં 50 કરતાં વધુ લોકોની પૂછપરછ કરી છે પરંતુ જગદીશની હત્યા કેમ કરાઇ તે રહસ્ય હજુ સુધી અંકબધ છે.

આ જ વિસ્તારમાં ૨ ઓગસ્ટના રોજ સાબરમતીના ગાંધીવાસ ૨માં રહેતા જેશીંગજી ઠાકોર (ઉં.વ. ૩૩) નામના યુવકની હત્યા કરાયેલી લાશ સાબરમતી અચેર સ્મશાનગૃહ પાસેથી મળી આવી હતી. આ યુવક ગાંધી વાસમાં જ રહેતો હતો. જેશીંગજીની હત્યા પણ છરીના ઘા મારી કરાઇ છે અને જગદીશ પરમારની હત્યા પણ છરીના ઘા મારીને જ કરાઇ હતી. સાબરમતી પોલીસે આ કેસમાં પણ સંખ્યાબધ લોકોની પૂછપરછ કરી છે પરંતુ એક જ વાસમાં રહેતા બન્ને યુવકની હત્યા કયાં કારણોસર થઇ તેની માહિતી ક્રાઈમ બ્રાન્ચ હજી સુધી મેળવી શકી નથી.

You might also like