સાબરમતીમાં સાંજના સમયે જ્વેલર્સને લૂંટનાર બે આરોપીની ધરપકડ

અમદાવાદ: શહેરના સાબરમતીમાં રામનગર શાકમાર્કેટના ભરચક વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવેલી લૂંટના મામલે સાબરમતી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલ સોનાની ચેઈન, લકી મળી કુલ રૂ.૭૦,૦૦૦થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ રામનગર શાકમાર્કેટના ભરચક વિસ્તારમાં આવેલી બ્રહ્માણીકૃપા જ્વેલર્સમાં બે શખસો ગ્રાહકના સ્વાંગમાં સાંજના સમયે આવ્યા હતા. બંને શખસો દુકાનદારની આંખમાં મરચાંની ભૂકી નાખી સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે દુકાનની અંદર અને આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરી હતી, જેમાં બંને આરોપીઓ ઓળખાયા હતા અને પોલીસે ગઈ કાલે રાત્રે આરોપી જગદીશભાઈ દેવરાજભાઈ ઉકાણી (ઉ.વ. ૪૮, રહે ગામ કુંજાડ-કણભા, બળિયાદેવ મંદિર પાસે) અને મુકેશ ઉર્ફે દરબાર રામાભાઈ રાવળ (રહે. રાવળવાસ, ગામ-કુબડથલ)ને ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી સોનાની ચેઈન કિંમત રૂ.૪૩,૦૦૦, સોનાની લકી રૂ.૩૩,૪૬૦, બેગ
અને મોબાઈલ મળી રૂ.૭૦,૦૦૦થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

You might also like