સાબરમતી જેલમાં કેદીઅો માટે પેનિક બટન લગાવાયા

અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે ત્યારે હવે જેલમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇ પૂરતું ધ્યાન આપી રહ્યું છે. જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરે તે માટે 4જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે તાત્કા‌િલક મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પે‌િનક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યાં છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 100 કરતાં વધુ બેરેક છે, જેમાં 2600 કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ બંધ છે. દિવસમાં 9 કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે તે સમયે કેદીઓની પૂરતી સલામતી રાખવામાં આવે છે, પરંતુ બાકીના 15 કલાકમાં જ્યારે કેદીઓ બેરેકમાં બંધ હોય છે ત્યારે કેદીઓ ઇમર્જન્સીના સમયે જેલ સિપાહીઓને બોલાવવા માટે બૂમાબૂમ કરતા હોય છે. બેરેકમાં લગાવેલ પે‌િનક બટનની સિસ્ટમ મુખ્ય 4 જંક્શનથી ઓપરેટ થશે જેમાં બેરેક સંત્રી પોસ્ટ, જેલના મુખ્ય દરવાજે, જેલ અધીક્ષકની ઓફિસ અને જેલ હોસ્પિટલમાં રહેશે.

કોઇ પણ બેરેકમાં કેદીઓ વચ્ચે મારમારી થાય, ઝઘડો થાય કે પછી કોઇ પણ કેદીને મે‌િડકલ ઇમર્જન્સીની જરૂર હોય તેવા સમય પર પે‌િનક બટન દબાવવાથી 4 જંક્શનમાં ઇમર્જન્સીનું ‌િસગ્નલ મળશે, જેથી તાત્કા‌િલક ધોરણે જેલ સિપાહી જે તે બેરેકમાં પહોંચી જશે. આ મામલે જેલ અધીક્ષક પ્રેમવીરસિંહે જણાવ્યું છે કે તમામ બેરેકમાં પે‌િનક બટન લગાવવામાં આવ્યાં છે. કોઇ પણ ઇમર્જન્સીના સમયે કેદી પે‌િનક બટન દબાવે તો તેને તાત્કા‌િલક મદદ મળી રહેશે.

http://sambhaavnews.com/

You might also like