કેદી જેલમાં મોબાઈલ પર વાત કરતો હતો બીજાએ પકડાવી દીધો

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી એવા વોચમેને કાચા કામના કેદીને બેરેકમાં આવેલા બાથરૂમમાં મોબાઈલ ફોન પર વાત કરતા ઝડપી લીધો હતો. કેદી પાસેથી એક મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં તેને કબજે કરી એફએસએલ ખાતે મોકલવામાં આવ્યો છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સોમવારે રાતે સાબરમતી નવી જેલમાં પાકા કામના કેદી અને વોચમેન એવા ઋષિક રતનલાલ શર્માને બેરેક નંબર 2/2ના ટોઇલેટમાં કાચા કામના કેદી પંકજ ઉર્ફે પકો બાબુજી ઠાકોર મોબાઈલ ફોન પર વાતચીત કરતા જણાઈ આવ્યો હતો.જેથી તાત્કાલિક તેઓએ જેલના નાઈટ અમલદાર પુનાભાઈ ડામોરને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. પંકજ પાસેથી એક સાદો મોબાઈલ ફોન, બેટરી અને સિમકાર્ડ મળી આવ્યાં હતાં. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અત્યાધુનિક એવા 4G જામર લગાડવામાં આવ્યા છે છતાં જેલમાં મોબાઇલ ફોનથી વાતો કઈ રીતે થાય છે તેના પર અનેક સવાલ ઊભા થયા છે.

કાચા કામના કેદી પંકજ પાસેથી મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ કબજે કરી અને આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હોવા છતાં જેલમાં મોબાઈલ ફોન કરી રીતે લાવવામાં આવ્યો ?? આમાં જેલ કર્મચારીની સંડોવણી છે કે કેમ આરોપી સિવાય અન્ય કોઈ વ્યક્તિએ મોબાઈલ ફોનથી વાતચીત કરી છે તેમજ ક્યાં ક્યાં વાત કરવામાં આવી છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like