એક વર્ષથી જામીન ન મળતાં કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદ: શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગત રાત્રે એક કેદીએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. રાત્રે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ દવા પી લેતાં જેલમાં દોડધામ મચી ગઇ હતી. આ અંગે રાણીપ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કેદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ તપાસમાં કેદીનું નામ દ્વારકેશ પ્રકાશભાઇ વોરા (ઉ.વ.૧૯) હોવાનું જાણવા મળ્યું હતું. આ કેદી મૂળ કચ્છનો વતની છે. હત્યાના ગુનામાં આરોપી દ્વારકેશને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી દ્વારકેશ જેલમાં બંધ છે.

પોલીસનાં જણાવ્યા મુજબ છેલ્લાં ઘણા સમયથી પોતે જામીન અરજી કરતો હોઇ તેને જામીન મળતાં ન હોતાં જેથી ગત રાત્રે હૃદયકુજ બરેકમાં અન્ય કેદીઓને આપવામાં આવતી દવા દ્વારકેશે પી લેતાં તેની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હાલમાં કેદીની હાલત સ્થિતિ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like