સાબરમતી ગેસ લાઈનમાં અને ઓએનજીસીની વેલમાં અાગ લાગતા ભારે દોડધામઃ લોકોમાં ફફડાટ

અમદાવાદ: કડી નજીક લક્ષ્મીપુરામાં અાવેલી સીટીએફના વેલ નં.૧૦૯માં બપોરના સુમારે જોરદાર ધડાકા સાથે અાગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સાઉથ કડી સીટીએફ લક્ષ્મીપુરા સંચાલીત ઓએનજીસી વેલ નં.૧૦૯માં અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગના કારણે અાજુબાજુના લોકોમાં ભયની લાગણી પ્રસરતા દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયરફાઈટરો અને વોટર ટેન્કરો સાથે તાબડતોબ પહોંચી જઈ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી. ઓએનજીસીના અધિકારીઓ પણ અાવી પહોંચી અાગ લાગવા પાછળના કારણની તપાસ શરૂ કરી હતી. વેલમાં હિટ વધવાના કારણે અાગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

જ્યારે અન્ય એક બનાવમાં કડીના થોળ રોડ પર દસા માતાજીના મંદિરથી કરણનગર રોડ જવાના બાયપાસ પાસે ગઈકાલે બપોરે સાબરમતી ગેસ લાઈનમાં અચાનક જ અાગ ભભુકી ઉઠી હતી. અાગ લાગતા અાજુબાજુમાં રહેતા લોકોએ ભયના કારણે ભારે દોડધામ કરી મૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અા પાઈપલાઈન રહેણાક વિસ્તાર નજીકથી પસાર થતી હોવાના કારણે લોકોના ટોળા રોડ પર અાવી ગયા હતા .

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક અાવી પહોંચી અા અંગે સાબરમતી ગેસને જાણ કરતા ગેસલાઈન બંધ કરી દેવામાં અાવી હતી. અા અાગ એક કલાક સુધી ચાલુ રહી હતી. ફાયરબ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી. અા બનાવમાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થવા પામી નથી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like