ફરાર કાચા કામના કેદીને લઇને ખુદ માતા ક્રાઇમ બ્રાન્ચ પહોંચી

અમદાવાદઃ : હાઇસિક્યોરીટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી રવિવારે બપોરના સમયે 19 ફુટની દીવાલ કૂદીને ભાગી જનાર કાચા કામના કેદી પ્રવીણ ધવલને ખુદ તેની માતા જ ક્રાઇમ બ્રાન્સ પરત મૂકી ગઇ હતી. પ્રવીણ ધવલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હાઇસિક્યોરીને માત આપીને ગણતરીની મિનિટોમાં જેલમાંથી ભાગવા માટે સફળ રહ્યો હતો.

જેને ક્રાઈમ બ્રાન્ચ છેલ્લાં 48 કલાકથી શોધી રહી હતી. તેને મંગળવારે રાત્રે 11-30 કલાકે તેની માતા આશાબેને લઇને આવી હતી. પ્રવીણની માતા આશા બહેને ક્રાઇમ  બ્રાન્ચના અધિકારીને ફોન કરીને જણાવ્યું કે, ‘ક્રાઈમ બ્રાન્ચના દરવાજા ખુલ્લા કરો, હું મારા દીકરાને લઈને આવું છું.’ રાત્રે 12 વાગતા જ માતા આશાબેન ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગયા હતા. આશાબેન પ્રવીણ ધવલ, તેના એક વર્ષના દીકરા, પત્ની પૂનમ સાથે રીક્ષામાં ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા.

આશાબેને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને કહ્યું કે, મારો દીકરો જેલની દીવાલ કૂદીને કલોલ ભાગી ગયો હતો. જેની જાણ થતાં હું જાતે જ તેને કલોલથી લઈ આવી છું. ક્રાઈમ બ્રાન્ચે પ્રવીણ ધવલની અટકાયત કરી હતી. આશાબેને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને કાકલૂદી કરી હતી કે, મારો દીકરો માંડ 20 વર્ષનો છે, તેને કાંઈ કરતા નહીં. માતા પોતાની જવાબાદારી સમજીને પુત્રને પોલીસને હવાલે કર્યો હતો.

You might also like