કેદીઅો માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરીક્ષા કેન્દ્ર ઊભું કરાશે

અમદાવાદ: અાગામી ૮મી માર્ચથી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાઅો શરૂ થઈ રહી છે. અા બોર્ડની પરીક્ષામાં ૩૧ કેદીઅો પણ પરીક્ષા અાપશે. સૌ પ્રથમવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલમાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર અાપવામાં અાવ્યું છે. જેથી અા વર્ષે જે કેદીઅોને પરીક્ષા અાપવાની છે તેઅો સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ પરીક્ષા અાપશે.

અા વર્ષે અમદાવાદમાંથી કુલ ૧.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઅો ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા અાપશે. જેમાં ૩૧ વિદ્યાર્થી કેદી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કાચાં અને પાકાં કામનાં કેદીઅોમાંથી નવ કેદીઅો ધો. ૧૨ની અને ૨૨ કેદીઅો ધો. ૧૦ની પરીક્ષા અાપશે. દર વર્ષે જે કેદીને બોર્ડની પરીક્ષા અાપવાની હોય તે કેદી દ્વારા બોર્ડનું ફોર્મ ભરી અને જે તે કેન્દ્રમાં નંબર અાવે તે કેન્દ્રમાં પરીક્ષા અાપવા જવું પડતું હતું. કેદી પરીક્ષા અાપવા કેન્દ્ર પર જાય ત્યારે તેની સાથેે પોલીસ જાપ્તો ફાળવવો પડતો હતો. પોલીસ સ્ટાફની અછતમાં અા રીતે કેદીની પરીક્ષાને કારણે જાપ્તો ફાળવવો હોઈ જેલ સત્તાધીશો દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજૂઅાત કરાઈ હતી. જેથી અા વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ ફાળવવામાં અાવ્યું છે.

જેલ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોશીઅે જણાવ્યું હતું કે ઇગ્નુ અને ડો. બાબાસાહેબ અાંબેડકર યુનિ. દ્વારા જે રેગ્યુલર કોર્સમાં પરીક્ષા લેવાય છે તે માટે કેન્દ્રો છે જ પરંતુ GSHSEB દ્વારા સૌ પ્રથમવાર જેલમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં અાવ્યું છે અને બોર્ડના નીતિ નિયમ મુજબ જ કેદીઅો પરીક્ષા અાપશે.

૭૬ કેદી વિવિધ કોર્સની તાલીમ લેશે
સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામનાં કેદીઅો જેલમાંથી સજા કાપી બહાર ગયા બાદ પુનઃ પોતાનું જીવન સારી રીતે સ્થાપિત કરી શકે તે માટે ૨૬મી જાન્યુઅારીથી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો સાબરમતી જેલ ખાતે પ્રારંભ કરાયો છે. અાયોજનના અંતર્ગત ૭૧ જેટલા તાલીમ કોર્સના વર્ગો ચલાવવામાં અાવશે. જે માટે એનઅોજીની નિમણૂક કરાઈ છે. અા યોજના અંતર્ગત સાબરમતી જેલમાં કુલ ૭૬ કેદીઅો બે ચાર કોર્સની તાલીમ મેળવવા નામ નોંધાવ્યાં છે. જેમાં કમ્પ્યૂટર હાર્ડવેરમાં ૨૯, ઇલેક્ટ્રિક વાયરમેનમાં ૩૬, કમ્પ્યૂટર ડેટા એન્ટ્રીમાં નવ અને પ્લમ્બિંગમાં બે કેદીઅોઅે નામ નોંધાવ્યાં છે. અાગામી ૧૫ દિવસમાં અા તાલીમ કોર્સ શરૂ થઈ જશે. ઉપરાંત મહિલાઅો માટે પણ બ્યુટીપાર્લર ,ટેલરિંગ અને ફેશન ડિઝાઈનિંગના કોર્સ પણ શરૂ કરવામાં અાવશે તેમ જેલ સૂત્રોઅે જણાવ્યું છે.

You might also like