સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ બે મોબાઈલ ફોન મળી આવ્યા

અમદાવાદ: અમદાવાદની સાબરમતી જેલમાં સુરંગકાંડ બાદ ફુલપ્રૂફ સુરક્ષાની જે વાતો હતી તે એકદમ ખુલ્લી પડી ગઈ છે. હવે જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જેલ તંત્ર અને ગૃહ વિભાગ પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો રસ લેવા માગતા ન હોય તેમ જણાઈ રહ્યું છે. સાબરમતી જેલમાંથી વધુ બે મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. નવી જેલમાં કોર્ટ રૂમની સામેના ભાગેથી બે મોબાઈલ ફોન, ચાર્જર અને પાંચ બેટરી મળી આવી છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ જડતી સ્કવોડે મંગળવારે સાંજે નવી જેલમાં તપાસ કરતા વોચ ટાવર નંબર 1ની સામે જેમાં કોર્ટ રૂમની સામે ખુલ્લી જગ્યામાંથી બે બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસને બે સિમકાર્ડ, ચાર્જર અને પાંચ બેટરી પણ મળી આવી હતી. છેલ્લા એક મહિનામાં જેલમાંથી પાંચ મોબાઈલ મળી આવ્યા છે. વધુ બે મોબાઈલ મળી આવતાં જેલ તંત્ર પર અનેક સવાલ ઊભા થયા છે.

જેલના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ ફોન અને ‌સિમકાર્ડ કોણે ઘુસાડ્યાં? મોબાઈલ ફોનનો અનધિકૃત ઉપયોગ થયો છે કે કેમ? ગુનાઇત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ? વગેરે તપાસ માટે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે અને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય છે. તમામ કેસમાં તપાસ થાય છે પણ સાબરમતી જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે આવે છે? તેની કોઈ જ તપાસ થતી ન હોવાનું બહાર આવ્યું છે. જેલ તંત્રની બેદરકારી, મેળ મેળાપીપણાં કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. આવા સંજોગોમાં રીઢા ગુનેગારો જેલમાં બેઠાં બેઠાં પણ ‘ગુનાનું નેટવર્ક’ બેરોકટોક ચલાવી શકે છે.

You might also like