સાબરકાંઠા-બનાસકાંઠામાં અાકાશી અાફત, રાતભર લોકો પાણીમાંઃ સરકારી તંત્ર લાચાર

અમદાવાદ: રાજ્યમાં અાકાશી અાફતે કહેર વરતાવ્યો છે. વરસાદે પ્રથમ સૌરાષ્ટ્ર ત્યારબાદ બનાસકાંઠા અને તેના પછી સાબરકાંઠાનો વારો લીધો છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા એકધારા વરસાદે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાનું જનજીવન અસ્થવ્યસ્થ કરી નાખ્યું છે. પાણીના કહેર અને પવનના સુસવાટા વચ્ચે લોકો નીઃસહાય હાલતમાં જીવી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો સહિત પહોંચવા માટે તમામ પ્રયાસો કરવામાં અાવે છે પણ અામ છતાં કુદરતના કહેર સામે સરકારીતંત્ર લાચાર બની ગયું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, ચોટિલા, માળિયા-મીયાણા, જૂનાગઢ અને જામનગરને ધમરોળી નાખ્યા બાદ વરસાદે ગઈકાલે બનાસકાંઠામાં કહેર વરતાવ્યો હતો. ત્યારબાદ ગઈ રાતથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પોસીના મોડાસા, તલોદ, ઈડર અને પ્રાંતિજમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદે માજા મૂકતાં અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા ૮૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં અાવ્યું છે. માઉન્ટ અાબુ પર ૨૪ કલાકમાં ૩૧ ઈંચ વરસાદ ખાબકતાં ગુજરાતથી ફરવા ગયેલા સહેલાણીઓ ફસાઈ ગયા છે.

કાણોદર ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા પાલનપુર-અમદાવાદ હાઈવે બંધ કરી દેવામાં અાવ્યો છે. ઉપરવાસના વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતા થરાદ તાલુકાના ૧૧ ગામોનાં લોકોને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના અાપવામાં અાવી છે. અમીરગઢ તાલુકાના દસ ગામો બેટમાં ફરેવાઈ જતાં સંપર્ક વિહોણા બની ગયા છે.

કાંકરેજ તાલુકાના અગ્રણી ડો. અાર.કે. બ્રહ્મભટે નજરે દેખેલા દૃશ્યો વર્ણવતા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કાંકરેજના ખારિયા, રૂણી, અાનંદપુરા, ઓઢા, ખાખર અને સુદલોસણ ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે ગામમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અાખી રાત નીઃસહાય લોકોએ મદદ માટે તંત્રને ફોન કર્યા છે, પરંતુ કોઈપણ જાતની મદદ મળી નથી. કાંકરેજ થરા, દિયોદર, દાંતીવાડા પંથકમાં પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે રાત્રે હેલિકોપ્ટર તો અાવ્યું હતું પણ ખરાબ હવામાન કે અન્ય કારણસર હેલિકોપ્ટર ઉતરી ન શકતા લોકોને કોઈ મદદ મળી ન હતી.

મહેસાણા જિલ્લાના ૩૭ ગામોનો પાણી પૂરો પાડતો વોટરપ્લાન વરસાદને કારણે બંધ થતાં લોકોને પીવાનું પાણી મળવાનું બંધ થયું હતું. અતિભારે વરસાદને કારણે મહેસાણામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પવનના કારણે ૩૦૦થી વધુ વૃક્ષો ધરાશાઈ થયા હતા અને ૨૦૦ જળાશયો છલકાઈ ગયા હતા. કડી પંથકના છ ગામોમાં કુલ ૩૯ મકાનો ધરાશાઈ થયા હતા.

આજે સવારે વાતાવરણમાં થોડો સુધારો થતા ભારતીય વાયુ દળે પૂર રાહત અને બચાવ કામગીરી માટે ૦૪-એમઆઈ-૧૭ વી-૫ હેલિકોપ્ટર્સ કામે લગાડ્યા હતા. બે હેલિકોપ્ટરોએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે ડીસાથી ઉડાન ભરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના ઝાલોર અને પાલી જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે જોધપુરથી બે હેલિકોપ્ટરોએ ઉડાન ભરી હતી.

ડીસાથી પણ વધુ એક હેલિકોપ્ટર ઉડાન ભરનાર છે. કુલ પાંચ હેલિકોપ્ટર પૂરગ્રસ્તોની રાહત અને બચાવ કામગીરી માટે કામે લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર, ફાલોદી અને જોધપુરના વાયુ દળના મથકો પર વધુ વિમાનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ તમામ ભારતીય વાયુ દળના મથકો ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના ઓપરેશનલ કન્ટ્રોલ હેઠળ કામ કરી રહ્યા છે.

વરસાદના કહેરથી પશુપાલન અને દૂધ ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. રોડ અને રસ્તા ધોવાઈ જતાં બનાસ ડેરીમાં અાવતો દૂધનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. વડગામ, પાલનપુર અને દાંતા સિવાય હાલ ક્યાંથી દૂધ અાવતું નથી. અા ડેરીમાં રોજનું ૩૦ લાખ લિટરથી વધુ દૂધ અાવે છે જે તમામ પુરવઠો બંધ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે. ૩૦ જિલ્લાના કુલ ૧૯૦ તાલુકામાં વરસાદ માહોલ છે. અાંકડાકીય માહિતી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠાના દાંતીવાડામાં ૧૯ ઈંચ, પાલનપુરમાં ૧૬ ઈંચ, વડગામમાં ૧૫ ઈંચ, અમીરગઢમાં ૧૫ ઈંચ, લાખણીમાં ૧૨ ઈંચ, પાટણમાં ૧૨ ઈંચ, દિયોદર ૧૨ ઈંચ, ઈડર ૧૧ ઈંચ, ધાનેરા ૧૧ ઈંચ, હિંમતનગર ૯ ઈંચ, પાટણ ૮ ઈંચ, ડીસામાં ૯ ઈંચ અામ મોસમનો કુલ ૬૬ ટકા વરસાદ પડી ચૂક્યો છે.

દાંતીવાડા, કાંકરેજ, ડીસા, ધાનેરા અને પાટણ જિલ્લામાં પૂરમાં ફસાયેલા સંખ્યાબંધ લોકોને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. હાલ એનડીઅારએફ અને રેસ્ક્યુની ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે રાખવામાં અાવી છે. અા બંને જિલ્લામાં હોડીઓ સાથે ૧૫૦ તરવૈયાઓને પણ તૈનાત રાખવામાં અાવ્યા છે.

ધાનેરા, દાંતીવાડા અને ડીસામાં સંખ્યાબંધ પશુઓના મૃત્યુ થયા છે અને અા ત્રણેય ટાઉનના અાજુબાજુના રસ્તા હજુ પણ પાણીથી ભરેલા છે. હવામાન ખરાબ હોવાના કારણે મદદ સુધી તંત્ર પહોચી શક્યું નથી. અામ છતાં સરકાર દ્વારા તમામ પ્રયત્નો અવિરતપણે ચાલુ રાખવામાં અાવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like