ભારતના બહિષ્કાર બાદ સાર્ક સમેલન રદ્દ

નવી દિલ્હીઃ આતંકવાદના મામલે પાકિસ્તાનને દુનિયાથી અલગ કરવાના પ્રયાસમાં જોડાયેલ ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. આ વખતે નવેમ્બરમાં યોજાઇ રહેલાં 19માં સાર્ક સંમેલનને સ્થગીત કરવામાં આવ્યું છે. સાર્કના હાલના અધ્યક્ષ એવા નેપાળની મીડિયા દ્વારા આ માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે પાકિસ્તાની સૂત્રો તરફથી પણ સંમેલન રદ્દ થયું હોવાની વાત સામે આવી છે.

ઉરીમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતે સાર્ક સંમેલનમાં હાજરી આપવાની ના પાડી હતી. ભારતની આ પહેલને પડોશી દેશ બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાને પણ સમર્થન આપ્યું છે. સાથે જ સંમેલનનો બહિષ્કાર કરવાનું કર્યું છે. કાઠમાંડુ પોસ્ટ તરફથી મળતી માહિતી મુજબ સાર્ક સંમેલનમાં ભારતે હાજરી આપવાની ના પાડી છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાર્ક સંમેલન રદ્દ કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું છે કે આજની તારીખમાં જેવો માહોલ છે. તેમાં પાકિસ્તાન જવું શક્ય નથી. જોકે સાર્ક સંમેલન કરવું ન કરવું તેનો સત્તાવાર નિર્ણય નેપાળે કરવાનો રહેશે.

પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ હાલ હાઇ લેવલ મીટિંગ કરી રહ્યાં છે. મીટિંગમાં આર્મી ચીફ રાહિલ શરીફ, પીએમના સલાહકાર સરતાજ અજીજ અને એનએસઇ નાસિર જંજુઆ પણ ભાગ લઇ રહ્યાં છે. આઠ સભ્યોના સાર્કના હાલના અધ્યક્ષ નેપાળ છે અને આ કારણે નેપાળી મીડિયા તરફથી મળતી આ માહિતી મહત્વની છે. ભારતે પોતાના નિર્ણયથી નેપાળને માહિતગાર કરી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદી સાર્ક સંમેલનમાં ઇસ્લામાબાદ નહીં જાય. નિયમ પ્રમાણે સંમેલનમાં તમામ દેશો હાજર રહે તે જરૂરી છે. જો એક પણ સભ્ય સંમેલનમાં ભાગ નહીં લે તો તેને સ્થિગત કરવી પડે છે અથવા તો રદ્દ કરવી પડે છે. વર્ષ 1985માં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને અફગાનિસ્તાન એક સાથે જોડાયા હતા.ત્યારે 1985 બાદ પહેલી વખત ભારતે સાર્ક સંમેલને બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.

You might also like