શ્રીસંત પરથી પ્રતિબંધ ઉઠાવાતાં કેરળ હાઇકોર્ટના ચુકાદા સામે BCCIની અપીલ

કોચી: મેચ ફિક્સિંગના આરોપસર ક્રિકેટર એસ.શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધને કેરળ હાઇકોર્ટે હટાવ્યા બાદ બીસીસીઆઇએ આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.  બીસીસીઆઇએ ફાસ્ટબોલર એસ.શ્રીસંત પર ર૦૧૩માં સ્પોટ ફિક્સિંગમાં ફસાયા બાદ આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. શ્રીસંતે બોર્ડના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેના પર હાઇકોર્ટે ૭ ઓગસ્ટના રોજ શ્રીસંતની તરફેણમાં ચુકાદો આપીને તેના પર લાગેલા પ્રતિબંધને હટાવવાનો આદેશ કર્યો હતો.

બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ આ કેસમાં અપીલ દાખલ કરતાં કોર્ટને જણાવ્યું હતું કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. બોર્ડે સ્પોટ ફિક્સિંગ મામલામાં કાર્યવાહી કરીને સાક્ષીઓ અને પુરાવાના આધારે કુદરતી ન્યાયને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરી હતી. બોર્ડે પોતાની આ અપીલમાં કોર્ટને જણાવ્યું હતું કે તે શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધને હટાવી શકે નહીં. જ્યારે હાઇકોર્ટે એમ જણાવ્યું હતું કે બીસીસીઆઇ આ પ્રતિબંધને યોગ્ય ઠરાવવામાં નિષ્ફળ ગયેલ છે.

બીસીસીઆઇએ કાર્યવાહી કરતાં તમામ પુરાવા પર ધ્યાન આપવાને બદલે પુરાવાના એક નાનકડા ભાગને આધાર બનાવીને નિર્ણય કર્યો હતો. તેને લઇને બોર્ડની શિસ્ત સમિતિ સામે રજૂ થયેલા પુરાવામાં સત્ય પ્રસ્થાપિત થઇ શકયું નથી. સિંગલ જજની બેન્ચે બોર્ડના એ વલણ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો કે બોર્ડે કાર્યવાહી કરીને નીચલા સ્તરના પુરાવાઓનો સ્વીકાર કર્યો છે.

આ દરમિયાન કોર્ટમાં હાજર થયેલ શ્રીસંતના મિત્ર જીજુ જનાર્દન અને બુકીની ટેલિફોન પર થયેલી વાતચીતનો રેકોર્ડ પણ કોર્ટે એવું કહીને ફગાવી દીધો હતો કે તેમાં શ્રીસંતનું કોઇ સીધું કનેકશન દેખાતું નથી. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ‌િફક્સિંગ કરવાથી પોતે પ્રતિબંધિત થઇ શકે છે એવું શ્રીસંતને ખબર હતી. એ વાત માની લેવામાં આવે તો પણ ચાર વર્ષનો પ્રતિબંધ તેના માટે પર્યાપ્ત છે.

You might also like