એસ.જી. હાઈવે પર યુવકને ફિલ્મી સ્ટાઈલથી કારથી કચડવાનો પ્રયાસ

અમદાવાદ: શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર અપના અડ્ડા ટી સ્ટોલ નજીક સર્વિસ રોડ પર ગઇ કાલે મોડી રાતે બેન્કના કેશિયર પર સાણંદના એક યુવકે ત્રણ વખત કાર ચઢાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મી સ્ટાઇલે કાર લઇ બાઇકને ટક્કર મારી હતી. જોકે એક વખત બાઇક વચ્ચે આવી જતાં અને એક વખત કૂદી જતાં યુવકનો આબાદ બચાવ થયો હતો. ગર્લફ્રેન્ડને ફોન કરવા બાબતે સાણંદના યુવકે કેશિયર પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ બાદ કારચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઘાટલોડિયા વિસ્તારમાં સી.પી.નગર પાસે આવેલા ન્યૂ વર્ધમાન એપાર્ટમેન્ટમાં શુભમ્ તૈલંગ (ઉ.વ.રર) પોતાના પરિવાર સાથે રહે છે. શુભમ્ સેટેલાઇટ સ્ટારબજાર પાસે એચ.ડી.એફ.સી. બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી મહિનામાં અનિકા જામવાલ નામની યુવતી સાથે શુભમ્ને તેના બર્થ ડે પર મુલાકાત થઇ હતી. બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને અવારનવાર ફોન પર અને મિત્રો સાથે બહાર મળતાં હતાં. અનિકાના બોયફ્રેન્ડ મહીપાલસિંહ વાઘેલા (રહે. સાણંદ)ને અનિકા અને શુભમ્ વચ્ચેના સંબંધો પર શક જતાં ફેબ્રુઆરી મહિનામાં મહીપાલસિંહે શુભમ્ને જણાવ્યું હતું કે અનિકા મારી ગર્લફ્રેન્ડ છે અને હવે પછી તારે તેની સાથે કોઇ સંબંધ રાખવો નહીં. બાદમાં અનિકા અને શુભમ્ વચ્ચે કોઇ વાતચીત થઇ ન હતી. ગઇ કાલે મોડી રાત્રે અને સવારે શુભમ્ના ફોન પર બે મિસકોલ આવ્યા હતા. જે નંબર પર ફોન કરતાં કોઇએ ફોન ઉપાડ્યો ન હતો.

ગઇ કાલે રાત્રે ૧૧ વાગ્યે શુભમ્ અને તેનો મિત્ર રોહન મલોડિયા (રહે. ઘાટલોડિયા) બાઇક લઇ એસ.જી. હાઇવે પર અપના અડ્ડા ટી સ્ટોલ પર બેઠા હતા. દરમ્યાનમાં રાત્રે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર પરથી ફરી ફોન આવ્યો હતો અને કોઇ છોકરીનો અવાજ આવ્યો હતો અને ફોન કપાઇ ગયો હતો.

ફરી ફોન આવતાં મહીપાલ બોલું છું તેમ જણાવ્યું હતું. મહીપાલે ફોન પર સ્ક્રીનશોર્ટ મોકલી આપવાનું કહેતાં શુભમે્ સ્ક્રીનશોર્ટ મોકલ્યો હતો. મહીપાલે ફોન કરી મારે તને મળવું છે ક્યાં છે તેમ પૂછ્યું હતું. શુભમે પોતાના અપના અડ્ડા ટી સ્ટોલ પર બેઠ્યો હોવાનું જણાવ્યું હતું જેથી મહિપાલ અપના અડ્ડા પર તેની ગર્લફ્રેન્ડ અનિકા અને બે યુવકો સાથે નંબર પ્લેટ વગરની આઇ-ર૦ કાર લઇ આવ્યો હતો. મહિપાલે તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા બાબતે શુભમ સાથે બોલાચાલી કરી હતી. અને શુભમ્નો ફોન જોઇ તેની ગર્લફ્રેન્ડને બે લાફા મારી ફોન પછાડી ગાડી લઇ જતો રહ્યો હતો.

મહીપાલસિંહ ફરી ગાડી લઇ યુ ટર્ન મારી પરત આવ્યો હતો અને શુભમ્નાં બાઇકને ટક્કર મારી ફરીથી તેણે કાર શુભમ્ પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઇક વચ્ચે આવી જતાં તેણે ફરીથી કાર સાઇડમાં કરી શુભમ્ પર ચઢાવવા જતાં શુભમ્ કૂદીને ફૂટપાથ પર જતો રહ્યો હતો અને તેનો બચાવ થયો હતો.

લોકો એકત્ર થઇ જતાં કાર લઇ મહીપાલસિંહ ફરાર થઇ ગયો હતો. શુભમ્ને સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. શુભમે્ આ અંગે મહીપાલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અા અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઅેસઅાઈ એમ. એ. વાઘેલાઅે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાઈ છે અને અા મામલે તપાસ કરવામાં અાવશે.

http://sambhaavnews.com/

You might also like