સરગાસણ નજીક બાઈકર્સ દ્વારા કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદ: ગાંધીનગર સરખેજ હાઈ વે પર સરગાસણ પાસે ગઇ કાલે સાંજે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખસ ફોર્ચ્યુનર કાર ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને આ મુદ્દે ગુનો દાખલ કરીને તપાસ શરૂ છે. ગાંધીનગરમાં રહેતા અને પાર્લર ચાલવતો હાર્દિક પટેલ નામનો યુવક અમદાવાદ તેના સાઢુભાઇના ઘરે આવતો હતો તે સમયે કાર પર ફાયરિંગ થયું હતું.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગાંધીનગર સેક્ટર 6, પ્લોટ નંબર 803માં રહેતા અને ધ રોડ ૨ પર ઓલ્ડ ઝોન નામનું પાર્લર ચલાવતાે હાર્દિક હર્ષદભાઇ પટેલ ગઇ કાલે તેના સોલા ખાતે રહેતા સાઢુ આનંદ ચતુરભાઇ પટેલને મળવા તેના મિત્ર જિજ્ઞેશ પટેલની કાર લઈને નીકળ્યો હતો.

ગાંધીનગર સરખેજ રોડ ઉપર આવેલા સરગાસણ પાસે પલ્સર બાઇક લઇને આવેલા બે અજાણ્યા ઇસમો હાર્દિકની કારને ઓવરટેક કરીને રોકી હતી અને ઉપરાછાપરી હાર્દિકની કાર ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલને ગાંધીનગરમાં રહેતા પ્રકાશ વણકર સાથે કેટલાય સમયથી માથાકૂટ ચાલતી હતી. હાર્દિક પટેલે પોલીસ ફરિયાદમાં પ્રકાશ વણકર સામે શંકા દર્શાવી છે.

You might also like