લંડનના આતંકી હુમલાની જવાબદારી ISએ સ્વીકારી

લંડનઃ લંડનમાં ગત રાત્રે થયેલા આંતકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. આ હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા. આ મામલે ૧૨ આરોપીની ધરપકડ કરાઈ છે. આ અંગે આતંકવાદી સંગઠનની એજન્સી અમાકે માહિતી આપતાં તેના મીડિયા પેજ પર જણાવ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટના સેનાનીઓની એક ટીમે ગઈ કાલે લંડનમાં આ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ હુમલાખોરોએ એક વાનમાં આવીને લંડન બ્રિજ પર પગપાળા જઈ રહેલા લોકો પર વાન ચડાવી દીધી હતી.

ત્યારબાદ નજીકની માર્કેટમાં કેટલાક લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો.જોકે લંડન પોલીસે ત્રણેય હુમલાખોરોને ઠાર કર્યા હતા. લંડનમાં છેલ્લા ત્રણ માસમાં આવો ત્રીજો હુમલો થયો છે. સેન્ટ્રલ લંડનમાં જે બે સ્થળે હુમલો થયો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેમાં પોલીસે આ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જોકે આ અંગે ઘટનાસ્થળે હાજર રહેલા કેટલાક લોકોનું કહેવું છે કે તેમણે છ લોકોને જમીન પર પડેલા જોયા હતા. જ્યારે લંડન અેમ્બ્યુલન્સ સર્વિસના જણાવ્યા અનુસાર લંડન બ્રિજ પર થયેલા હુમલામાં ઘવાયેલા ૨૦ લોકોને વિવિધ છ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આ‍વ્યા છે.

http://sambhaavnews.com/

You might also like