સિરિયામાં દખલ સામે પુતિનને ઓબામાની કડક ચેતવણી

પેરીસ: અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને સિરિયામાં દરમિયાનગીરી કરવા બાબતે ચેતવણી આપી છે. ઓબામાએ જણાવ્યું છે કે સિરિયાની સિવિલ વોરમાં રશિયાનો ચંચુપાત છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પુતિનને જણાવ્યું છે કે આ ખૂની સંઘર્ષમાં તમારા દેશની દખલગીરી કેટલી ખતરનાક પુરવાર થઈ શકે છે તે તમે સારી રીતે જાણો છો.

ઓબામાએ જણાવ્યું છે કે મારુું માનવું છે કે પુતિન આ બાબતને સારી રીતે જાણે છે. તેમને અફઘાનિસ્તાનની યાદ હજુ તાજી જ હશે કે જ્યારે રશિયા ખરાબ રીતે અસ્થિરતામાં ફસાઈ ગયું હતું. એક લકવાગ્રસ્ત સિવિલ વોરનું કોઈ પરિણામ આવતું નથી એવું ઓબામાએ પેરિસ ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ઓબામાએ વધુમાં જણાવ્યું છે કે પુતિન સાથે આ મુદ્દે સોમવારે વાત થઈ હતી.

તેમણે જણાવ્યું કે અમારા બંને વચ્ચે એ બાબત પર કોઈ મતભેદ નથી કે સિરિયામાં ચાલી રહેલ ખૂની સંઘર્ષનું રાજકીય સમાધાન જરૂરી છે, જોકે ઓબામાએ જણાવ્યું છે કે સિરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદને લઈને અમારા મતભેદો હજુ પણ જારી છે.

અમેરિકાએ કહ્યું છે કે અસદે સત્તા છોડવી જોઈએ. જો આવું થશે તો જ સિરિયામાં રાજકીય સમાધાન શક્ય બનશે. ઓબામાએ જણાવ્યું હતું કે પુતિનની મદદથી સિરિયામાં પરિસ્થિતિ બદલાઈ રહી છે.

ઓબામાએ એવી પણ સલાહ આપી છે કે રશિયા અને તુર્કીએ પોતાના રાજકીય વિવાદોથી ઉપર ઊઠીને ઈસ્લામિક સ્ટેટ જેવા ત્રાસવાદી સંગઠન સામે કાર્યવાહી કરવા પર ધ્યાન કે‌િન્દ્રત કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આપણા બધાનો એક જ સંયુક્ત દુશ્મન ઈસ્લામિક સ્ટેટ છે.

You might also like