રશિયા સાથે S-400 સુપરસોનિક મિસાઇલ સિસ્ટમ માટે ડીલ થશે

નવી દિલ્હી: ભારત હવે ટૂંક સમયમાં રશિયા સાથે એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ માટે રૂ.૩૯,૦૦૦ કરોડની ડીલને આખરી ઓપ આપશેે. એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એક એવી આધુનિક સિસ્ટમ છે જે ૪૦૦ કિ.મી. દૂરથી આવી રહેલા દુશ્મનોનાં વિમાન, મિસાઇલ અને ડ્રોનને રોકવાની, તેને ટ્રેક કરવાની અને તેના પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય સેનાના આધુનિકીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ભારત આ ડીલને ર૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ફાઇનલ કરનાર છે. આ ડીલ પર હસ્તાક્ષર થયા બાદ ફર્સ્ટ મિસાઇલ યુનિટ ભારતને ર૪ મહિનામાં મળી જશે.

બાકીની પાંચ મિસાઇલ આગામી પ૪ મહિનામાં મળશે. આ જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી આધુનિક મિસાઇલ સિસ્ટમ છે. રશિયાએ તાજેતરમાં આ સિસ્ટમનેે પોતાની ક્રિમિયા બોર્ડર પર તહેનાત કરી છે. રશિયા આ ડિફેન્સ સિસ્ટમ તુર્કી અને સાઉદી અરેબિયાને પણ વેચનાર છે.

ભારત યુદ્ધ વખતે આ ડિફેન્સ સિસ્ટમને પાકિસ્તાનની શોર્ટ રેન્જ ન્યૂક્લિયર મિસાઇલ સામે કામ લેવા સરહદ પર તહેનાત કરશે. આ મિસાઇલ સિસ્ટમ પાકિસ્તાનની નસ્ત્ર (હત્ફ-૯) મિસાઇલ સિસ્ટમને નેસ્તનાબૂદ કરશે. આ ઉપરાંત લોંગ રેન્જ સાથે રડાર દ્વારા ૧૦૦થી ૩૦૦ ટાર્ગેટ એક સાથે ટ્રેક કરી શકશે.

You might also like