રશિયાએ વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરતાં વૈશ્વિક બજાર તૂટ્યાં

અમદાવાદ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ઉત્તર કોરિયા સામે સૈનિક કાર્યવાહી થાય છે તો વિશ્વયુદ્ધની સંભાવના વધી શકે છે, જેના પગલે અમેરિકી શેરબજાર સહિત એશિયાનાં મોટા ભાગનાં શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. નોંધનીય છે કે તાજેતરમાં ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરતાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તંગદિલી વધી છે.

દરમિયાન અમેરિકી ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સ ૨૩૪ પોઇન્ટના ઘટાડે ૨૧,૭૫૩ પોઇન્ટના મથાળે બંધ જોવાયો છે, જ્યારે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૫૯ પોઇન્ટના ઘટાડે ૬૩૭૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે. એ જ પ્રમાણે એસએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ ૧૮ પોઇન્ટના ઘટાડે ૨૪૫૭ પોઇન્ટની સપાટીએ બંધ આવ્યો છે. મોટા ફંડો સોના અને જાપાની ચલણ યેનમાં રોકાણ વધારી રહ્યાં છે.

આજે શરૂઆતે એશિયાનાં મોટા ભાગનાં શેરબજારો રેડઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૨૩૮ પોઇન્ટ, જ્યારે જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૧૩ પોઇન્ટ, સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ પણ નીચા ગેપથી ખૂલ્યો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલીના પગલે વૈશ્વિક શેરબજારમાં ‘પેનિક સેલિંગ’ જોવા મળ્યું છે.

You might also like