ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન રશિયાનાં કારખાનાં બંધ રહેશે

મોસ્કોઃ આગામી ફિફા વિશ્વની સફળ યજમાની કરવા માટે રશિયા દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. આ સિલસિલામાં દુર્ઘટના અને આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે વિશ્વકપ દરમિયાન રશિયાનાં મોટા ભાગનાં કારખાનાં બંધ રહેશે, જોકે આનાથી રશિયાને આર્થિક રીતે મોટું નુકસાન થશે અને હજારો મજૂરોને લગભગ પાંચ સપ્તાહ સુધી કમાણીનું કોઈ સાધન નહીં મળે.

ફિફા વિશ્વકપની શરૂઆત રશિયામાં આ વર્ષે ૧૪ જૂનથી શરૂ થઈ રહી છે. આ પહેલાં ચીને પણ ૨૦૦૮ના બીજિંગ ઓ‌િલમ્પિક પહેલાં કંઈક આવાં જ પગલાં ભર્યાં હતાં ત્યારે ચીને પ્રદૂષણને રોકવા માટે કોલસાની ઘણી ખાણને બંધ કરી દીધી હતી.

આલિશાન હોટલમાં રહેશે બ્રાઝિલના સ્ટાર
સુપરસ્ટાર ખેલાડીઓથી સજ્જ બ્રાઝિલની ફૂટબોલ ટીમને ફિફા વિશ્વકપ માટે સ્ટાલિન દ્વારા કમ્યુનિટી પાર્ટી માટે બનાવવામાં આવેલી આલિશાન સોવિયેત રિવેરાની સોચિ કામેલિયા હોટલમાં ઉતારાશે. આ હોટલની એક તરફ કાળો સમુદ્ર દેખાય છે, જ્યારે બીજી તરફ તાડનાં ઝાડ જોવા મળે છે. હોટલની આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરાશે.

ટીવી પર જોસ મોરિન્હો ચર્ચા કરશે
ઈંગ્લિશ પ્રીમિયર લીગની દિગ્ગજ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના કોચ જોસ મોરિન્હો આગામી ફિફા વિશ્વકપ દરમિયાન ટીવી પર પોતાનું ફૂટબોલ અંગેનું જ્ઞાન શેર કરશે. આરટી ટેલિવિઝને આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે ઉત્સાહથી છલોછલ મેનેજર અને પોતાના ખાસ અંદાજ માટે મશહૂર જોસ મોરિન્હો સાથે આરટી ટીવીએ તાજેતરમાં કરાર કર્યો છે.

You might also like