રશિયાએ અમેરિકાના જાસૂસી વિમાનનાે રસ્તાે રોકતાં તણાવ

વોશિંગ્ટનઃ સાત મહિના બાદ રશિયા અને અમેરિકાનાં ફાઈટર પ્લેન એકબીજાની સામસામે આવી ગયાં હતાં. બ્લેક સી પર અમેરિકાના જાસૂસી પ્લેનને રોકવા માટે રશિયાનું પ્લેન તેનાથી ૧૦ ફૂટની આસપાસ રહ્યું હતું. ૧૯ મિનિટ સુધી બંને પ્લેન એકબીજાની નજીક રહ્યાં હતાં. રશિયાના આ વલણને અમેરિકાએ ‘અનસેફ’ અને ‘અનપ્રોફેશનલ’ ગણાવ્યું હતું.
અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોનનું કહેવું છે કે રશિયાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. બીજી બાજુ રશિયાનું કહેવું છે કે અમેરિકન વિમાને તેની સરહદની આસપાસ બે વખત ઉડાણ ભરી હતી. આ ઈન્ટરસેપ્ટ ઉડાણ દરમિયાન ઈન્ટરનેશનલ નિયમોનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

રશિયાનું કહેવું છે કે અમેરિકન વિમાને ટ્રાન્સપોન્ડર્સને ઓન કર્યું ન હતું. આ કારણસર આ વિમાનની હિલચાલ પર શક ગયો હતો. આ વિમાને એક નહીં, પરંતુ બે વખત રશિયાની સરહદ નજીક જવાની કોશિશ કરી હતી. રશિયાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ પ્રકારની હિલચાલ પ્રથમ વાર થઈ છે એવું નથી. આ અગાઉ પણ નાટોનાં વિમાનો યુક્રેન સહિત દેશની બીજી સરહદ પાસે જાસૂસી અને લશ્કરી કવાયતમાં સામેલ હતાં. પેન્ટાગોનના પ્રવકતા જેફ ડેવિસે જણાવ્યું હતું કે રશિયાની આ હરકતના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. બંને ફાઈટર જેટ વિમાનો ૧૯ મિનિટ સુધી એકબીજાની નજીક રહ્યાં હતાં અને એક તબક્કે બંને વચ્ચેનું અંતર માત્ર ૧૦ ફૂટનું જ હતું.

You might also like