ગામડાંમાં ક્રાંતિ લાવશે ‘ઈન્ટરનેટ સાથી’

મેટ્રો શહેરોની યુવતીઓને ફોર વ્હિલર ચલાવતી કે સતત સ્માર્ટફોન પર ચૅટ કરતી જોઈને કોઈને નવાઈ ન લાગે, પરંતુ સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામડાંની શેરી વચ્ચેથી કોઈ ઘરની મહિલા, આંગણામાં ઢોલિયા ઢાળીને બેઠેલા વડીલોની પરવા કર્યા વિના એક વિશિષ્ટ સાઈકલ લઈને નીકળે તો? અધૂરામાં પૂરું એ મહિલાના હાથમાં લેટેસ્ટ સ્માર્ટફોન હોય અને બીજી મહિલાઓ સ્માર્ટફોન કે ઈન્ટરનેટ અંગે જાણવા ટોળે વળતી હોય તો? આ માત્ર મહિલા સશક્તીકરણ નહીં, ગામડાંઓમાં પગરણ માંડી રહેલા ‘ડિજિટલ ઈન્ડિયા’ની વાત છે. આ પ્રોજેક્ટને ખરા અર્થમાં સાર્થક કરવા નિમાયેલા ‘ઈન્ટરનેટ સાથી’ દ્વારા થઈ રહેલા ગ્રાઉન્ડવર્ક અંગે ‘અભિયાન’નો એક્સક્લુઝિવ રિપોર્ટ…

હજુ સવારના ચાર જ વાગ્યા છે. રણછોડ ભગતના રેડિયો પર ભજન શરૃ થવાને ખાસ્સી વાર છે. રામજી મંદિરમાં પરોઢિયે આરતી કરતા મોહન મહારાજના ઘરની બત્તી પણ હજુ બંધ છે. આમ જોવા જઈએ તો એવું કોઈ કામ બાકી નથી જેના માટે અનીતાબહેને આટલા વહેલા ઊઠવું પડે. પણ આ તો અનીતાબહેન. ચારના ટકોરે જાગીને સૌ પહેલાં ભેંસો દોહવાનું શરૃ કર્યું. ગાંગરતી ભેંસોને ચારો-પાણી કરાવી દીધાં. ડેરીએ દૂધ ભરી દીધું. છાસ વલોવીને માખણ તારવી દીધું. સસરા અને બાળકોને શિરામણ કરાવતા સુધીમાં સૂર્યનારાયણે માથું કાઢ્યું.

આઠ વાગ્યા સુધીમાં અનીતાબહેન બધું જ ઘરકામ પતાવીને તૈયાર થયાં અને ઓસરીના ખૂણે પડેલી અનોખી સાઇકલ લઈને સખીના ઘર તરફ નીકળી પડ્યાં. મોંઘીબહેન એમની પાક્કી સખી. બે દિવસ અગાઉ જ મોંઘીબહેનને મળીને કરેલી ગુફ્તેગો મુજબ તેઓ સાઈકલ લઈને સીધાં જ તેના ઘેર જઈ પહોંચ્યાં. સાદ દેતાં જ મોંઘીબહેન ઘરમાંથી બહાર આવ્યાં અને ‘હું આવી’ કહીને પડોશનાં ઘરોમાં ફરી વળ્યાં. દસ જ મિનિટમાં મોંઘીબહેનના ઘરે દસ-બાર મહિલાઓનું ટોળું એકઠું થઈ ગયું. જેમાંની મોટાભાગની મહિલાઓ પરિણીત અને પાંચ ચોપડી માંડ ભણેલી હતી. અનીતાબહેનનો આગ્રહ તેમને અહીં ખેંચી લાવ્યો હતો.

બધાં આવી ગયાની ખાતરી કરી લીધા બાદ અનીતાબહેને સાથે લાવેલી સાઇકલ પરની પેટી ખોલીને અંદર રાખેલા બે મોટા સ્માર્ટફોન, બે ટૅબલેટ અને પાવરબેંક કાઢ્યાં. એક સ્માર્ટફોન ચાલુ કરીને પોતાની પાસે રાખ્યો અને બીજો મોંઘીબહેન તથા અન્ય સ્ત્રીઓને જોવા માટે આપ્યો. અનીતાબહેને પોતાની પાસેના સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ ચાલુ કરીને સૌ પ્રથમ બધાંને સોમનાથ મહાદેવનાં દર્શન કરાવ્યાં. ટીવીને બદલે અહીં તો મોબાઈલમાં સોમનાથનાં દર્શનથી હાજર મહિલાઓની આંખો તો આશ્ચર્યથી પહોળી જ થઈ ગઈ. પછી તો અનીતાબહેને સમોસા કેમ બનાવવા, બ્લાઉઝમાં કઈ નવી ડિઝાઈનો આવી, પંજાબી શાક કેવી રીતે બને? એ બતાવ્યું અને મોંઘીબહેન સહિતની મહિલાઓને વારાફરતી સ્માર્ટફોનમાં કેટલીક વસ્તુ સર્ચ કરતાં શીખવ્યું.

સતત ત્રણ દિવસ સુધી આ અભણ મહિલાઓને અનીતાબહેન સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખવાડે છે અને પછી એ જ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરેલી એક એપથી તમામ મહિલાઓની ઓનલાઈન પરીક્ષા લે છે. ત્રણ સ્ટેપમાં આ પરીક્ષા લઈને જે તે મહિલા સ્માર્ટફોન અને ઈન્ટરનેટ ઓપરેટ કરતાં શીખી કે નહીં તેની ચકાસણી થાય છે અને જો શંકા હોય તો તેમને ફરીથી એ જ વસ્તુ શિખવાડાય છે. આ દૃશ્ય છે ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના છેલ્લા ગામ પણાંદરાનું અને અનીતાબહેન બારડને તેમનામાં રહેલી સ્ત્રીશક્તિને ઉજાગર કરવાનું આ સ્વરૃપ મળ્યું છે ગૂગલ ઈન્ડિયા અને ટાટા ટ્રસ્ટના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ઈન્ટરનેટ સાથી’ દ્વારા.

શું છે ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ ?
૧ જુલાઈ,૨૦૧૫ના રોજ વડા પ્રધાને લૉન્ચ કરેલા ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત તમામ સરકારી સંસ્થાનો અને વહીવટી કચેરીઓની સાથે દેશના ગ્રામીણ વિસ્તારોને પણ ઈન્ટરનેટ સાથે જોડવાનું આહ્વાન કરાયું હતું. જેને અનુલક્ષીને ગૂગલ ઈન્ડિયા તથા ટાટા ટ્રસ્ટ દ્વારા દેશનાં ગામડાંમાં મહિલાઓને ઈન્ટરનેટ સાથે જોડવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના આ જમાનામાં ગ્રામીણ મહિલાઓ પાછળ ન રહી જાય તે માટે સર્ચ જાયન્ટ ગૂગલે રતન ટાટા ફાઉન્ડેશનના સહકારથી જુલાઈ ૨૦૧૫માં જ ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. આ પ્રોજેક્ટ માટે ટાટા ટ્રસ્ટે ગૂગલ ઈન્ડિયા અને ઈન્ટેલ સાથે મળીને એક વિશિષ્ટ સાઈકલનું નિર્માણ કર્યું છે. સાઈકલના પાછળના ભાગે એક પેટી બનાવાઈ છે, જેમાં બે સ્માર્ટફોન, બે ટૅબલેટ સાથે પાવરબેંકની સુવિધા રખાઈ છે અને એક જમ્બો છત્રી પણ ગોઠવવામાં આવી છે. ગામડાંઓમાં મહિલાઓ આ સાઈકલ લઈને શેરી-મહોલ્લામાં ફરે છે અને મહિલાઓને એકઠી કરીને સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખવે છે.

ત્રણ રાજ્યોમાં ગુજરાતની પસંદગી
ગુજરાતમાં આ પ્રોજેક્ટની શરૃઆત ઓક્ટોબર ૨૦૧૫થી કરવામાં આવી હતી. એ જ વખતે રાજસ્થાન અને ઝારખંડમાં પણ આ પ્રોજેક્ટ શરૃ કરાયો હતો. આ પ્રોજેક્ટ માટે ટાટા ટ્રસ્ટ અને ગૂગલ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ પસંદગી દાહોદ અને ગીર-સોમનાથ જિલ્લા પર ઉતારવામાં આવી હતી. જેમાં ગીર-સોમનાથ જિલ્લાનાં ગામોની મહિલાઓ રસ દાખવીને સૌથી વધુ સક્રિય કામગીરી કરી રહી છે. ટાટા ટ્રસ્ટે અહીં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યો છે અને ધર્મા લાઈફ નામની સ્વૈચ્છિક સંસ્થા આ સમગ્ર પ્રોજેક્ટ સંભાળે છે. આ સંસ્થા એક ગામમાં બે મહિલાઓને પસંદ કરીને તાલીમ આપે છે, બાદમાં જે તે મહિલા ગામડાઓમાં જઈને અન્ય મહિલાઓને સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વાપરતાં શીખવે છે. સંસ્થા દ્વારા જે તે મહિલાના ઘરમાંથી એક પુરુષને પણ તાલીમ અપાય છે, જેથી મહિલાની ગેરહાજરીમાં આ કાર્ય ચાલુ રહી શકે.

સંસ્થા દ્વારા હાલમાં લગભગ ૫૦ ગામોમાં મહિલાઓને સ્માર્ટફોન અને ઈન્ટરનેટનું જ્ઞાન આપવાનું મહત્ત્વનું કામ થઈ રહ્યું છે. ગૂગલ ઈન્ડિયા અને ટાટાના અધિકારીઓના કહેવા મુજબ ડિસેમ્બર,૨૦૧૬ સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ દેશનાં ૪,૫૦૦ ગામોમાં ૫ લાખથી વધુ મહિલાઓને ઈન્ટરનેટ અને સ્માર્ટફોનથી વાકેફ કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાતનાં ગીર-સોમનાથ જિલ્લાનાં ૫૦ ગામોમાં ટાટા ટ્રસ્ટ દ્વારા મહિલાઓને ‘ઈન્ટરનેટ સાથી’ સાઈકલ અપાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે અન્ય મહિલાઓને સ્માર્ટફોન-ઈન્ટરનેટની તાલીમ આપતી મોટાભાગની મહિલાઓએ પ્રાથમિક શિક્ષણ જ મેળવ્યું છે. કેટલીક મહિલાઓ તો સાવ અભણ છે છતાં આવડતના જોેરે તેઓ સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વાપરતાં શીખી અને હવે અન્ય મહિલાઓને શીખવી રહી છે.

કેવી રીતે અપાય છે તાલીમ?
‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટના પ્રચારપ્રસાર માટે ધર્મા લાઈફ સંસ્થાએ ગીર-સોમનાથનાં ગામડાઓમાં હેલ્પિંગ વિમેન્સ ગો ઓનલાઈન(એચડબ્લ્યુજીઓ) એટલે કે મહિલા ઈન્ટરનેટ જાગૃતિ અભિયાન શરૃ કર્યું છે. આ અંગે પ્રોજેક્ટ સાથે શરૃઆતથી જ જોડાયેલાં સંસ્થાનાં સ્વયંસેવિકા અંજલિ ચૌધરી કહે છે, “ગામમાં જે સ્થળે મહિલાઓ એકઠી થતી હોય ત્યાં અમે પહોંચી જઈએ છીએ. મહિલાઓને સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વિશે વાત કરીએ છીએ. ગામની મોટાભાગની મહિલાઓ સ્માર્ટફોન કે ઈન્ટરનેટ વિશે અજાણ હોય છે. અરે, મહિલાઓની ક્યાં વાત કરવી, અહીં કેટલાંક ગામોમાં તો યુવકો માટે પણ સ્માર્ટફોન અને ઈન્ટરનેટ નવી વસ્તુ છે. જ્યાં પુરુષવર્ગ પાસે સ્માર્ટફોન ન હોય ત્યાં કોઈ મહિલા બે-બે સ્માર્ટફોન, ટૅબલેટ અને પાવરબેંક લઈને ગામની શેરીઓમાં ફરતી જોવા મળે તે ક્રાંતિ જ ગણાય.”

સંસ્થા દ્વારા પ્રથમ તો ગામમાં જઈને આ પ્રોજેક્ટને સફળતાથી ચલાવી શકે તેવી મહિલાની શોધ કરાય છે. બહેનોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી ગ્રેેજ્યુએટ કે ઉચ્ચ શિક્ષિત મહિલાને બદલે જે તે મહિલા આ કામગીરીને લઈને કેટલી ઉત્સાહી છે તે જોવામાં આવે છે. પસંદગી થયા બાદ સ્વયંસેવી મહિલાને ત્રણ દિવસની તાલીમ અપાય છે, જેમાં સામાન્ય ફોનની સરખામણીએ સ્માર્ટફોન કેવી રીતે અલગ છે તે તફાવત સમજાવાય છે અને સ્માર્ટફોનનાં નવાં ફીચર્સ કે જે સામાન્ય ફોનમાં જોવા મળતાં નથી તેની વિગતે માહિતી અપાય છે. ત્યારબાદ ઈન્ટરનેટ શું છે, સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કેવી રીતે ચાલે, ગૂગલ શું છે, તેમાં જે તે માહિતી સર્ચ કેવી રીતે કરવી, વીડિયો કેવી રીતે જોવા વગેરે માહિતી પ્રાયોગિક રૃપે સમજાવાય છે.

બાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને રસ પડે તેવી વિગતોની માહિતી અપાય છે. સમોસા કેવી રીતે બનાવવા, ફેશનેબલ કપડાંમાં નવી ડિઝાઈન કઈ આવી, તે ઓનલાઈન કેવી રીતે ખરીદવાં? જેવી માહિતી આપવામાં આવે છે. ગામડાંઓમાં અભણ મહિલાઓ મોબાઈલમાં શબ્દો ટાઈપ કરીને લખી શકતી ન હોવાથી વોઈસ સર્ચનો ઉપયોગ કરે છે. ફોટા જોઈને બ્લાઉઝની ડિઝાઈન સર્ચ કરે છે, સરકારી યોજનાઓની માહિતી મેળવે છે. ટ્રેનિંગ દરમિયાન એવાં તમામ ફીચર્સ પર ભાર મૂકવામાં આવે છે, જે ગામડાની મહિલાઓ માટે અગત્યનાં હોય.

ત્રણ દિવસની ટ્રેનિંગ બાદ મહિલાઓને ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટની સાઈકલ આપવામાં આવે છે. જે લઈને સ્વયંસેવી મહિલા ગામની અન્ય મહિલાઓને શીખવવા નીકળે છે. હાલ ગીર-સોમનાથ જિલ્લાનાં કુલ ૫૦ ગામોમાં ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટની સાઈકલ પૂરી પાડવામાં આવી છે. મોબાઈલમાં મહિલાઓને પ્રથમ તો મોબાઈલ ઓન-ઓફ કેવી રીતે કરવો, સેલ્ફી કેવી રીતે લેવી, ફોટો પાડીએ તો કઈ જગ્યાએ સેવ થાય, મેમરીકાર્ડમાં ગીતો કેવી રીતે ડાઉનલોડ થાય, ગીત ચાલુ કેવી રીતે કરવું, ગેઇમ કેવી રીતે રમવી વગેરે સામાન્ય ફીચર્સ અંગે માહિતગાર કરાયછે. બાદમાં વિવિધ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, ઓનલાઈન ખરીદી કેવી રીતે કરાય, બેંક એકાઉન્ટ કેવી રીતે મેનેજ કરવું, વીજળીનું બિલ કેવી રીતે ભરવું જેવાં ઉપયોગી ફીચર્સ પણ શીખવવામાં આવે છે.

ત્રણ દિવસની તાલીમને અંતે સંસ્થા દ્વારા ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયાર કરાયેલી કલેક્ટ નામની એપ (એપ્લિકેશન) વડે શીખનાર મહિલાઓની ઓનલાઈન પરીક્ષા લેવાય છે. આ એપમાં જે તે વિસ્તારની પ્રાદેશિક ભાષામાં મહિલાની સામાન્ય પ્રોફાઈલ બનાવ્યા બાદ એક પછી એક એમ ત્રણ સ્ટેપમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટને લગતાં સવાલો આવતાં જાય જેનો મહિલાએ જવાબ સિલેક્ટ કરવાનો હોય. ત્રણેય સ્ટેપ પૂર્ણ થયા બાદ રિઝલ્ટ પણ મળી જાય છે.

આ તો થઈ ગ્રામ્ય મહિલાઓને કેવી રીતે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ શિખવાડાય છે તેની વાત. તાલીમ પામ્યા બાદ ગામમાં ‘ઈન્ટરનેટ સાથી’ સાઈકલ લઈને નીકળતી વખતે સ્વયંસેવી મહિલાઓને થયેલા રસપ્રદ અનુભવો અંગે પણ જાણવું જરૂરી છે.

સ્વયંસેવી મહિલાઓના રસપ્રદ અનુભવ
તમામ સ્વયંસેવી મહિલાઓમાં સૌથી વધુ ભણેલા અને સક્રિય એવા ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગામ પણાંદરનાં અનીતાબહેન બારડ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, “આમ તો હું કૉલેજ સુધી ભણી છું, પણ એ વખતે મોબાઈલ ફોન નહોતા એટલે મને સામાન્ય મોબાઈલ ફોન પણ ઓપરેટ કરતાં નહોતું આવડતું. પ્રથમ વખત સ્માર્ટફોનથી માહિતગાર ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ સાથે જોડાયા પછી જ થઈ. અમારા બચતમંડળની મિટિંગમાં ધર્મા લાઈફ સંસ્થાનાં બહેન આવતાં હતાં. મિટિંગમાં મારી સક્રિયતા જોઈને તેમને લાગ્યું કે હું અન્ય બહેનોને ઈન્ટરનેટ શીખવી શકીશ. અગાઉ મેં ક્યારેય સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો નથી એ અંગે મેં તેમને માહિતગાર કર્યાં હતાં.

તેમણે મને ત્રણ દિવસ સ્માર્ટફોન અને ઈન્ટરનેટના ઉપયોગની તાલીમ આપી. ત્યાં સુધી તો બધું બરાબર લાગ્યું પણ પછી જ્યારે ‘ઈન્ટરનેટ સાથી’ સાઈકલ મારા ઘરે આવી ત્યારે મારી મૂંઝવણનો પાર ન રહ્યો. સાઈકલની પેટી ખોલીને સ્માર્ટફોન હાથમાં લેવાની વાત તો દૂર આખો દિવસ હું સાઈકલ સામે જોઈને અંદરને અંદર મૂંઝાયા કરતી. સ્માર્ટફોન સહિતની કીમતી વસ્તુઓ સાઈકલની પેટીમાં હોવાથી ઘરમાં જ મૂકી હતી. એટલે રાત્રે સૂતી વખતે પણ સાઈકલ નજર સામે જ રહેતી હોવાથી ઊંઘ નહોતી આવતી. આ સ્થિતિ સતત ૧૫ દિવસ સુધી ચાલી. એક દિવસ વિચાર્યું કે આવું ક્યાં સુધી ચાલશે? એટલે પછી હિંમત કરીને પતિને સ્માર્ટફોન શીખવવા અંગે દબાણ કરવાનું શરૃ કર્યંુ અને સંસ્થાની સ્વયંસેવી બહેનને ફોન કરીને વિગતો પૂછવા માંડી.

એક દિવસ વહેલી સવારે ચાર વાગ્યે જાગી, આઠ વાગતા સુધીમાં ઘરકામ પતાવીને ઈન્ટરનેટ સાઈકલ લઈને નીકળી પડી. વડીલોની હાજરીમાં એક મહિલા સાઈકલ લઈને નીકળે અને તે પણ ઈન્ટરનેટ અને સ્માર્ટફોનથી સજ્જ અને પાછી અન્ય બહેનોને પણ ઈન્ટરનેટ અંગે શીખવે તો તેના કેવા પ્રત્યાઘાત પડશે તે બાબતે હું દ્વિધા અનુભવતી હતી. પહેલાં ભારે સંકોચ થયો, પછીથી ધીરેધીરે આત્મવિશ્વાસ વધતો ગયો. આજે હું દરરોજ કોઈ ને કોઈ બહેનને સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સમજણ આપું છું. ત્રણ માસમાં મેં ૧૫૦થી વધુ બહેનોને ઈન્ટરનેટ અને સ્માર્ટફોન ચલાવતાં શીખવ્યું છે. બહેનો હવે સેલ્ફી લેતા પણ શીખી છે અને

યુ-ટ્યુબ પર સોમનાથ દાદાની આરતીનો લહાવો પણ લે છે. કેટલીક બહેનો વીડિયો જોઈને પંજાબી વાનગીઓ બનાવતા શીખી છે. મને લાગે છે કોઈ કામ કરવા ધારીએ અને મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળે છે.”

ગોહિલની ખાણ ગામનાં રેખાબહેન ગોહિલ પોતાના ગામમાં ‘ઈન્ટરનેટ સાથી’ સાઈકલ ચલાવે છે. ગામમાં ચાલતાં મહિલા મંડળની બેઠકમાં તેઓ સૌથી શરમાળ હતાં. જરૃર પૂરતું જ બોલે, બીજા શું કરે છે તેની પરવા નહીં. પરિવારના સભ્યો સાથે પણ એ જ રીતે વર્તે. અંતર્મુખી સ્વભાવનાં રેખાબહેન ગામમાં ઈન્ટરનેટનો અલખ જગાવશે એવી એમને પોતાને પણ ધારણા નહોતી. જીવનમાં ક્યારેક અણધાર્યો આવી પડતો પડકાર માણસની ખરી ક્ષમતા બહાર લાવવામાં નિમિત્ત બનતો હોય છે. એવું જ કંઈક રેખાબહેન સાથે પણ બન્યું.

મહિલાઓની બેઠકમાં સૌએ એકસૂરે ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ માટે તેમનું નામ સૂચવ્યું ત્યારે તેઓ ગભરાઈ ગયેલાં. જોકે સર્વાનુમતે થયેલી તેમની વરણીને સ્વીકાર્યા વિના છૂટકો નહોતો. પ્રથમ તો તેમણે પોતાના બદલે અન્ય કોઈને આ કામ સોંપવા કહ્યું, પરંતુ સૌનો આગ્રહ થતાં આ જવાબદારી સ્વીકારી. આજે તેઓ ‘ઈન્ટરનેટ સાથી’ સાઈકલ લઈને ગામમાં ફરે છે, વૃદ્ધ મહિલાઓ સુધ્ધાંને તેઓ સ્માર્ટફોન પકડાવીને હસતાં કરી મૂકે છે. તેઓ કહે છે, “આ પ્રોજેક્ટનો પહેલો ફાયદો તો એ થયો કે હું બે લોકો વચ્ચે બોલતાં શીખી. અગાઉ મિટિંગમાં પણ હું કશું બોલતી નહીં. ઈન્ટરનેટ સાથીએ મને બોલતાં શીખવ્યું એમ કહું તો કશું ખોટું નથી. ત્રણ દિવસની ટ્રેનિંગમાં હું ઘણું બધું શીખી અને અન્ય બહેનોને પણ શીખવું છું. ‘ઈન્ટરનેટ સાથી’ સાઈકલ મારા ઘેર આવ્યા પછી ભારે મૂંઝવણ ઊભી થઈ, કારણ કે ટ્રેનિંગ દરમિયાન ઓફિસમાં અન્ય શિક્ષિત બહેનો સાથે બેસીને સ્માર્ટફોન અને ઈન્ટરનેટ શીખવું જુદી વાત હતી. અહીં તો મારે એકલીએ ગામમાં આ નવીન પ્રકારની સાઈકલ લઈને ફરવાનું હતું.

એક આંટો મારીને નીકળી જવાનું નહોતું પણ દરરોજ કોઈ ને કોઈ બહેનના ઘેર જઈને તેને સ્માર્ટફોન-ઈન્ટરનેટની સમજણ આપવાની હતી. મારાથી એ થશે કે નહીં તે બાબતે ચિંતા થવા માંડી. મારું ભણતર ઓછું, વળી સાદો મોબાઈલ વાપરતા પણ નહોતું આવડતું, ત્યાં સ્માર્ટફોન અને એ પણ અંગ્રેજી લખાણ ધરાવતો, કેમ કરીને ચલાવીશ તેને લઈને સતત મૂંઝાયા કરતી. જો કે ટ્રેનિંગમાં બધું શીખી ગઈ. ગામની મોબાઈલ ફોનની દુકાને જઈને નવાં ફીચર્સ જાણવાનું પણ શરૃ કર્યું. ના ખબર પડે તો તેને ફોન કરીને પૂછતી. આમ, પ્રથમ હું શીખી પણ અન્ય મહિલાઓને તૈયાર કરવી એ મારા માટે એક પડકાર હતો. જેને મેં સ્વીકારી લીધો.”

ગામની અન્ય મહિલાઓને સ્માર્ટફોન અને ઈન્ટરનેટ શીખવા માટે કેવી રીતે તૈયાર કરી તે અંગે વાત કરતાં રેખાબહેન કહે છે, “પહેલાં તો બહેનો સ્માર્ટફોનને હાથમાં પકડતાં જ ડરતી. જોકે મેં તેમને ઈન્ટરનેટ દરિયો છે અને તમે ચાહો તે જોઈ શકો છો તેમ કહીને સ્માર્ટફોનમાં એક પછી એક બધું સર્ચ કરીને બતાવ્યું. એક બહેનની દીકરી માટે દુલ્હન સેટ ઓનલાઈન મગાવી આપ્યો. એક બહેનના પતિને વાવણી માટેની ઓરણીનો ઓર્ડર પણ ઓનલાઈન આપ્યો. ગામની ભણેલી યુવતીઓને તલાટી ભરતીનાં ફોર્મ ઓનલાઈન ભરી આપ્યાં. કેટલીક બહેનોનાં ધોરણ ૧૦-૧૨માં ભણતાં છોકરાંઓનાં પરિણામ ઓનલાઈન જોઈ આપ્યાં. વોઈસ સર્ચ દ્વારા ટાઈપ કરતાં ન આવડતું હોય છતાં જોઈતી વસ્તુ સર્ચ કરી શકાય છે તેની પણ સમજણ આપી. આજે ગામમાં લોકો મને ‘પાવરફુલ વહુ’ તરીકે ઓળખે છે.”

આ મહિલાઓ જ્યારે સ્માર્ટફોન શીખતી ત્યારે ગામના પુરુષવર્ગની શું પ્રતિક્રિયા હતી? તેવા સવાલના જવાબમાં રેખાબહેન કહે છે, “પહેલાં તો વડીલો અને બહેનોના પતિ મને કહેતાં કે, બૈરાંઓને વળી આવું બધું શીખીને ચ્યાં વિલાત જવાનું છે?” ત્યારે મારો જવાબ હતો કે, પુરુષો ઘેર ન હોય અને કામ પડે ત્યારે જાણકારી બહેનોને કામે લાગે.”

ગામડાની વહુ-દીકરીઓને આ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહિત કરનાર સાંઢણીધાર ગામનાં મોતીબહેન ચાવડા કહે છે, “ગીર-સોમનાથ જિલ્લાના છેવાડાનાં ગામડાંઓમાં હજુ યુવકો સુધી પણ સ્માર્ટફોન પહોંચ્યા નથી ત્યાં મહિલાઓ પાસે સ્માર્ટફોન અને ટૅબલેટ બંને હોય, એટલું જ નહીં તેમને એ ઉપયોગ કરતાં પણ આવડતું હોય તે નાનીસૂની ઘટના નથી. આ પ્રોજેક્ટ અમારી પાસે આવ્યો ત્યારે પ્રથમ તો બધી બહેનોએ તેનો અસ્વીકાર કરેલો. જેની પાછળનું કારણ અગાઉ નિષ્ફળ ગયેલો નિર્ધૂમ ચૂલાનો પ્રોજેક્ટ હતો. જોકે અમે ‘જોયું જશે’ એમ માનીને બહેનોને સ્માર્ટફોન-ઈન્ટરનેટ શીખવવાનું બીડું ઝડપ્યું. તાલીમના આગલા દિવસ સુધી નક્કી નહોતું થઈ શકતું કે કયા ગામમાં કોણ હશે. અંતે જે તે ગામમાં રૃબરૃ જઈને અમે બહેનોની પસંદગી કરી અને ટ્રેનિંગ આપી.

હવે તેમને પડતી મુશ્કેલીઓના ઉપાય તેમણે જાતે જ શોધી લીધા છે. સ્માર્ટફોનનાં અમુક ફીચર્સ વિશે ખ્યાલ ન આવતો હોય તો અંદરોઅંદર જ કોઈને ફોન કરીને તેની માહિતી મેળવી લે છે. શરૃઆતમાં બહેનને લાજ કાઢીને સાઈકલ ચલાવવામાં તકલીફ પડતી. જો કે સમજુ વડીલોએ તેમને લાજ કાઢવામાંથી પણ મુક્તિ આપી. આજે ‘ઈન્ટરનેટ સાથી’ની સાઈકલ લઈને જતી મહિલા ગામમાં લાજ નથી કાઢતી. આ કિસ્સામાં તો અનેક ગામોમાં વડીલોએ સામે ચાલીને ‘ઈન્ટરનેટ સાથી’ની મહિલાઓને લાજ કાઢવામાંથી મુક્તિ આપી દીધી છે અને છતાં એ વહુની આબરૃ ઘટવાને બદલે વધી છે. ‘ડિજિટલ ઈન્ડિયા’ની જાગૃતિની સાથે ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટની આ પણ એક ઉપલબ્ધિ જ છે.”

આ અંગે ટાટા ટ્રસ્ટના ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટના ડિરેક્ટર ગણેશ નીલમ કહે છે, “ઈન્ટરનેટ સાથી” પ્રોજેક્ટનો અમારો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓ અને સમુદાયોને ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ સેવાઓ થકી જાગૃત કરવાનો છે. અમે સ્વયંસેવી બહેનોને શોધી કાઢીને તેમને ઈન્ટરનેટ જોડાણ ધરાવતા સ્માર્ટફોન અને ટેબ્લેટ આપ્યાં છે. જેઓ અન્ય મહિલાઓને ઈન્ટરનેટ વિશે માહિતગાર કરી તેનાથી કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સમાજસુરક્ષા જેવાં સેક્ટરોમાં જોઈતી માહિતી કેવી રીતે મેળવી શકાય તે શીખવે છે. આગામી એક વર્ષમાં ૨૫૦થી ૩૦૦ ગામડાઓમાં ૭૦૦-૮૦૦ ઈન્ટરનેટ સાથી તૈયાર કરવાનું અમારું આયોજન છે. હાલ આ પ્રોજેક્ટ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઝારખંડમાં પણ ચાલુ છે. આ મહિલાઓની સફળતા કશુંક નવું કરવા માગતા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આ સફળતાથી પ્રેરાઈને અમે હવે આ પ્રોજેક્ટને આસામ, ત્રિપુરા અને મહારાષ્ટ્રમાં લાગુ કરવા જઈ રહ્યાં છીએ.”

ગૂગલ ઈન્ડિયાનાં નેહા બડજાત્યા કહે છે, “હાલ ગ્રામીણ ભારતમાં માંડ ૧૨ ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ‘ઈન્ટરનેટ સાથી’થી અમારું લક્ષ્ય ગ્રામીણ મહિલાઓ અને ડિજિટલ દુનિયા વચ્ચે સેતુ પૂરો પાડવાનો છે. જેથી ઈન્ટરનેટ સેવાઓ તેમના સુધી પહોંચી શકે. પ્રથમ તાલીમનાં પરિણામોથી અમે ઉત્સાહિત છીએ. અમે તૈયાર કરેલી મહિલાઓ ગામડાઓમાં ઈન્ટરનેટનો બખૂબી ઉપયોગ કરી રહી છે. તેઓ ખેતીની વિવિધ પદ્ધતિઓથી માંડીને સરકારી સેવાઓ, શિક્ષણ, મનોરંજન અને વ્યાવસાયીક તકો ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહી છે. આગામી પાંચ વર્ષમાં દેશભરમાં ફેલાયેલાં અઢી લાખ ગામડાંઓ સુધી આ પ્રોજેક્ટને લઈ જવાનો લક્ષ્યાંક છે. ગુજરાતની મહિલાઓએ આ પ્રોજેક્ટમાં નવું જોમ રેડ્યું છે. જે અમારા માટે એક પ્રકારના ટૉનિકનું કામ કરશે.”

‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ દ્વારા ગામડાંની મહિલાઓ સ્માર્ટફોન અને ઈન્ટરનેટના ઉપયોગ અંગે માહિતગાર બની રહી છે એ બાબત વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ‘ડિજિટલ ઈન્ડિયા’નાં ગામડાઓમાં પગરણ સમાન છે. અંતરિયાળ ગામડાંના લોકો સહિત સમગ્ર દેશવાસીઓને ઈન્ટરનેટના માધ્યમથી આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને તેમનું જીવન સ્માર્ટ અને સરળ બની રહે તે દિશામાં ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટની આ પહેલ આવકારદાયક છે. આ પ્રોજેક્ટથી એક રીતે લાગી રહ્યું છે કે, ‘ડિજિટલ ઈન્ડિયા’ ને સાર્થક કરવાનું કદમ મંડાઈ ચૂક્યું છે.

ગુજરાતનું આ ગ્રૂપ સૌથી વધુ એક્ટિવ છે
આગામી એક વર્ષમાં ૨૫૦થી ૩૦૦ ગામડાંઓમાં ૭૦૦-૮૦૦ ‘ઈન્ટરનેટ સાથી’ તૈયાર કરવાનું અમારું આયોજન છે. હાલ આ પ્રોજેક્ટ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઝારખંડમાં પણ ચાલુ છે. જો કે ગુજરાતનું આ ગ્રૂપ સૌથી એક્ટિવ છે. આ મહિલાઓની સફળતા કશુંક નવું કરવા માગતાં સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.
ગણેશ નીલમ,  ડાયરેક્ટર, ઈન્ટરનેટ સાથી, ટાટા ટ્ર્સ્ટ-મુંબઈ

મહિલાઓએ વિશ્વાસને ખરો સાબિત કર્યો
ટાટા ટ્રસ્ટ ગ્રામીણ મહિલાઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર લાવવા માટે પ્રયત્નશીલ છે. ‘ઈન્ટરનેટ સાથી’ તેમાં સૌથી અગત્યનું પગલું છે. અભણ ગ્રામીણ મહિલાઓને ઈન્ટરનેટ શીખવવાનો વિચાર શરૃમાં એક દિવાસ્વપ્ન જેવી વાત હતી, પણ આ જ ગ્રામીણ મહિલાઓએ અમારા વિશ્વાસને ખરો સાબિત કર્યો છે.
દિવ્યાંગ વાઘેલા ચીફ જનરલ મેનેજર, ટાટા ટ્રસ્ટ, અમદાવાદ

સવારે આઠ વાગ્યે ઈન્ટરનેટ સાઈકલ લઈને ગામની અન્ય મહિલાઓને સ્માર્ટફોન ઓપરેટ કરતાં શીખવું છું. અત્યાર સુધીમાં ૧૫૦ જેટલી બહેનોને શીખવ્યું છે. મારા પતિ પણ મારા આ કાર્યમાં સાથ આપે છે.
અનીતાબહેન બારડ ગામઃ પણાંદર

‘ઈન્ટરનેટ સાથી’ના કારણે અમને બહેનોને આગળ આવવાની પ્રેરણા આપી. અગાઉ હું ગામની વહુ હોવાથી લાજ કાઢવી પડતી. જો કે મારી કામગીરી જાણ્યા પછી વડીલોએ સામે ચાલીને મને લાજ ન કાઢવા જણાવ્યું.
ધર્મિષ્ઠાબહેન વાળા ગામઃ સરખડી

અગાઉ અમારો નિર્ધૂમ ચૂલાનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોવાથી બહેનો ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ માટે તૈયાર નહોતી થતી. જો કે અમે નક્કી કર્યું હતું કે બહેનોને જમાનાથી પાછળ નથી રાખવી.
મોતીબહેન ચાવડા સંચાલક, ઈન્ટરનેટ સાથી પ્રોજેક્ટ, સાંઢણીધાર

મારા ગામમાં હજુ કેટલાય યુવાનોને સ્માર્ટફોન ઓપરેટ કરતાં નથી આવડતું. પણ તેમની પત્નીઓને આવડે છે. મેં તેમને શીખવ્યું. આજે આ મહિલાઓ તેમના પતિને સ્માર્ટફોન ઓપરેટ કરતાં શીખવે છે.
વર્ષાબહેન રાઠોડ ગામઃ દુદાણા

‘ઈન્ટરનેટ સાથી’ એ મને બોલતાં શીખવ્યું એમ કહું એમાં જરાય ખોટું નથી. પહેલાં હું જાહેરમાં બોલવામાં સંકોચ અનુભવતી. હવે એ ડર જતો રહ્યો છે. મેં ૬૦ મહિલાઓને ઈન્ટરનેટની ઉપયોગિતા વિશે શીખવ્યું છે.
રેખાબહેન ગોહિલ ગામઃ ગોહિલની ખાણ

પહેલાં સાઈકલ લઈને ગામમાં જવા બાબતે મૂંઝવણ થતી. પણ એક વાર કામ શરૃ કર્યા પછી સંકોચ દૂર થઈ ગયો. હવે તો ગામની વૃદ્ધ મહિલાઓને સોમનાથ મહાદેવની આરતી સ્માર્ટફોનમાં ઓનલાઈન બતાવું છું.
મનીષાબહેન ગોસ્વામી ગામઃ દેવલી

અઢી લાખ ગામડાંમાં પ્રોજેક્ટ લઈ જવો છે
ગ્રામીણ ભારતમાં માંડ ૧૨ ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ‘ઈન્ટરનેટ સાથી’ પ્રોજેક્ટ ગ્રામીણ મહિલાઓ અને ડિજિટલ દુનિયા વચ્ચે સેતુ રૃપ બની રહેશે. ગુજરાતનાં પરિણામોથી અમે ઉત્સાહિત છીએ. પાંચ વર્ષમાં દેશભરનાં અઢી લાખ ગામડાં સુધી આ પ્રોજેક્ટ લઈ જવાનો અમારો લક્ષ્યાંક છે.
નેહા બડજાત્યા, પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગૂગલ ઈન્ડિયા

નરેશ મકવાણા

You might also like