ગાંધીનગર: રાજ્ય સરકારના ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા ગ્રામીણ ગુજરાતના ગામોને ભારતભરમાં ચમકાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. દેશના સ્માર્ટ સિટીનો પ્રથમ વીસ શહેરની યાદીમાં ગુજરાતના અમદાવાદ અને સુરત ચમક્યા બાદ હવે ગ્રામ્ય ગુજરાત દેશમાં ગાજશે.
ભાજપના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી સાથે સંકળાયેલા કેન્દ્રના ‘રૂર્બન પ્રોજેક્ટ’ની દિલ્હીમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘રૂર્બન ગુજરાત’ પ્રોજેક્ટ રાજ્યમાં અમલમાં મૂક્યો હતો. જેમાં ગામડાઓનો શહેર જેવો વિકાસ કરાય છે. એટલે કે રૂર્બન પ્રોજેક્ટ હેઠલના ગ્રામીણ વિસ્તારનો આત્મા ગામડાનો અને સુવિધા શહેરની હોય છે. આ રૂર્બન પ્રોજેક્ટ હવે શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન પ્રોજેક્ટ તરીકે આગામી દિવસોમાં દેશભરમાં અમલમાં આવશે.
રાજ્ય સરકાર તરફથી અલંગ, અંબાજી, બહુચરાજી ઉપરાંત મોરબીનું રવાપર અને જામનગરનું વાડીનાર એમ પાંચ ગામોની દરખાસ્ત કેન્દ્રના રૂર્બન પ્રોજેક્ટ માટે મોકલાઈ છે. અગાઉ રૂર્બન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ગોઝારિયા અને સાબરકાંઠાના પુસંદી ગામનો વિકાસ કરાયો હતો.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સરકાર પાસેથી પાંચ ગામોના નામ મંગાવ્યા હતા. જેના કારણે રાજ્ય સરકારે અલંગ, અંબાજી, બહુચરાજી, રવાપર અને વાડીનારની રૂર્બન પ્રોજેક્ટ માટે પસંદગી કરાઈ છે. આ પાંચ નામો પૈકી પહેલા તબક્કા માટે પ્રથમ બે નામની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા કરાશે. શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામેલા આ ગામોને એક જ વર્ષમાં રૂ. ૩૦ કરોડ અપાશે. આ ગામો સિટી બસ જેવી સેવા શરૂ કરી કરશે. પોતાનો એરિયા ડેવલપમેન્ટ પ્લાન બનાવી શકશે. શહેરોની જેમ સ્ટ્રીટલાઈટ સાથે રસ્તા, ગટર અને પાણીનું નેટવર્ક ઊભું કરી શકશે તેમ પણ સૂત્રો વધુમાં જણાવે છે.