મનરેગા, અન્ન સુરક્ષા અંગેના કાયદા બાબતે સુપ્રીમનો ગુજરાત સહિતના રાજ્યોને ઠપકો

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે અન્ન સુરક્ષા કાયદો લાગુ ન કરવા બદલ કેટલાક રાજ્યોની આજે ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને આખરે ગુજરાત જેવું રાજ્ય શા માટે અમલમાં મૂકતું નથી. ન્યાયમૂર્તિ મદન બી લોકુરના નેતૃત્વ હેઠળની એક બેંચે જણાવ્યું કે સંસદ શું કરી રહી છે, શું ગુજરાત એ ભારતનો  હિસ્સો નથી. કાયદો કહે છે કે તે સમગ્ર ભારત માટે છે અને ગુજરાત તેનો અમલ કરતું નથી.

કાલે ઉઠીને કોઈ એવું પણ કહી શકે કે તે ક્રિમિનલ પ્રોસીજર કોડ, ઈન્ડિયન પીનલ કોડ અને લો ઓફ એવિડન્સનો અમલ નહીં કરે. બેંચે કેન્દ્રને જણાવ્યું હતું કે તે દુષ્કાળ અસરગ્રસ્ત રાજ્યોમાં મનરેગા, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અને મધ્યાહ્ન ભોજન જેવી કલ્યાણકારી યોજનાઓની સ્થિતિ વિશે માહિતી એકઠી કરે. બેંચે કેન્દ્ર સરકારને આગામી ૧૦મી ફેબ્રુઆરી સુધીમાં સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી બે દિવસ પછી રાખી હતી.

સુપ્રીમ કોર્ટે ગઈ ૧૮મી જાન્યુઆરીએ કેન્દ્રને મનરેગા,અન્ન સુરક્ષા કાયદો અને મધ્યાહ્ન ભોજન યોજનાઓના અમલીકરણ વિશે માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. અદાલતે અસરગ્રસ્તોને લઘુતમ આવશ્યક રોજગાર અને ખોરાક ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે નહીં તે વિશે જાણવા માગ્યું હતું.બેંચ જાહેર હિતની એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ,આંધ્રપ્રદેશ,તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઝારખંડ, બિહાર, હરિયાણા અને ચંડીગઢ દુષ્કાળગ્રસ્ત છે પરંતુ વહિવટીતંત્ર યોગ્ય રાહત પૂરી પાડી રહ્યું નથી.

જાહેર હિતની આ અરજી સ્વૈચ્છિક સંસ્થા ‘સ્વરાજ અભિયાન’એ દાખલ કરી છે. તેનું સંચાલન યોગેન્દ્ર યાદવ જેવા લોકો કરી રહ્યા છે. અરજીમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો લાગૂ કરવાની માગ કરાઈ છે. આ કાયદામાં દરેક વ્યક્તિને દર મહિને પાંચ કિલો અનાજ પૂરું પાડવાની ગેરન્ટી અપાઈ છે. અસરગ્રસ્ત પરિવારોને અલગ અલગ દાળો અને ખાદ્ય તેલ આપવાનો અધિકારીઓને આદેશ આપવાની પણ આ સંસ્થાએ માગ કરી છે.

અરજીમાં જણાવાયું છે કે શાળાએ જતાં બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત દૂધ અને ઈંડુ પણ આપવામાં આવે.આ અરજીમાં પાકને નુક્સાનના સંજોગોમાં સમયસર અને યોગ્ય વળતર આપવાની પણ માગ કરાઈ છે. આ ઉપરાંત દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને આગામી પાક માટે સબસિડી તથા પશુઓ માટે સબસિડીયુક્ત ચારો આપવો જોઈએ.

વકીલ પ્રશાંત ભૂષણ મારફતે દાખલ કરવામાં આવેલી આ અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોતાની જવાબદારી નિભાવવામાં કેન્દ્ર અને રાજ્યોએ દાખવેલી ગંભીર ઉપેક્ષાને લીધે લોકોને ભારે નુક્સાન થઈ રહ્યું છે અને તે બંધારણની કલમ ૨૧ તથા ૧૪ હેઠળ અધિકારોની ગેરન્ટીની વિરુધ્ધ છે. અરજીમાં એમ પણ જણાવાયું છે કે દુષ્કાળને લીધે ગ્રામીણ ગરીબો માટે ઉપલબ્ધ ખેતી સંબંધિત રોજગારીમાં પણ ભારે ઘટાડો થયો છે.

You might also like