સપ્તાહ દરમિયાન રૂપિયો નબળો પડ્યોઃ સોનામાં ઉછાળો

અમદાવાદ: ચાલુ સપ્તાહમાં છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૪.૪૧ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહ દરમિયાન રૂપિયો ૧૩ પૈસા નબળો પડેલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલાં સપ્તાહે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૪.૨૮ની સપાટીએ બંધ જોવાયો હતો. વૈશ્વિક બજારમાં હાલ અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આ જોતાં સ્થાનિક બજારમાં ડોલરની ડિમાન્ડ નીકળે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે. એ જ પ્રમાણે સપ્તાહ દરમિયાન ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૭૦૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. સોનું પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. વૈશ્વિક બજારમાં સોનું ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસની નજીક ૧૨૮૪ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ૩૦,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ. ૩૦૦નો ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે ચાંદી રૂ. ૪૨,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

પાંચ મહિનામાં સોનાની આયાત ૩૬૦ ટન થઈ
દેશમાં સોનાની આયાતમાં ફરી એક વાર સુધારો નોંધાતો જોવા મળ્યો છે. નોટબંધીને પાંચ મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. નોટબંધી બાદ પાંચ મહિનામાં સોનાની આયાત ૩૬૦ ટનની જોવા મળી છે, જે વર્ષ ૨૦૧૬માં કુલ માત્ર ૫૧૦ ટનની હતી. નોંધનીય છે કે પાછલા વર્ષે માર્ચ મહિનામાં જ્વેલર્સની હડતાળના પગલે સોનાની માગ અને આયાતમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. દરમિયાન રૂપિયાની મજબૂતાઇના પગલે માર્ચ મહિનામાં સોનાના ભાવ પ્રેશરમાં જોવા મળ્યા હતા. તેની અસરથી પણ સોનાની માગમાં વધારો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like