રૂપિયો છ મહિનાના તળિયે ખૂલ્યો, સોનાના ભાવમાં આગેકૂચ જારી

અમદાવાદ: રૂપિયો સતત તૂટી રહ્યો છે. આજે શરૂઆતે રૂપિયો વધુ તૂટ્યો હતો. રૂપિયો ૧૪ પૈસા નરમ ૬૫.૨૪ની સપાટીએ ખૂલ્યો હતો. આમ, ડોલર સામે રૂપિયો છ મહિનાના તળિયે પહોંચી ગયો હતો. ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૫.૧૦ની સપાટીએ બંધ જોવાયો હતો. રૂપિયામાં આવેલા અચાનક ઘટાડાના પગલે આયાતકાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઇના પગલે સ્થાનિક બેન્કો અને ઓઇલ કંપનીઓ દ્વારા ડોલરની ડિમાન્ડમાં વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રૂપિયો ૬૫.૩૫ની સપાટીએ જોવાઇ શકે છે. નોંધનીય છે કે પાછલા સપ્તાહે મંગળવારે છેલ્લે રૂપિયો ૬૪.૧૩ની સપાટીએ બંધ જોવાયો હતો. આમ, એક જ સપ્તાહમાં રૂપિયો ૧.૧૧ પૈસા તૂટ્યો છે.

સોનાના ભાવમાં આગેકૂચ જારી
વૈશ્વિક બજારમાં સોનાના ભાવે ૧૩૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી દીધી છે. રૂપિયામાં ઘટાડાની ચાલ જોવા મળી છે ત્યારે સ્થાનિક બજારમાં સોનાના ભાવ વધુ સુધર્યા છે. આજે શરૂઆતે સોનાનો રૂ. ૨૦૦ના સુધારે ૩૦,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

You might also like