પૈસા ન અાપતાં પેરોલ જમ્પ કરી ફરાર અારોપીએ મિત્ર પર ફાયરિંગ કર્યું

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસે ગઇ કાલે મોડી રાતે ગૌતમ નામના યુવાન પર કરેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કેસમાં માસ્ટરમાઇન્ડ અમિત ઉર્ફે ગાંડા નામનો યુવક હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગૌતમે અમિતને ઉછીના રૂપિયા નહીં આપતાં તેણે તમંચાથી ફાયરિંગ કર્યું હતું. બાપુનગરમાં 9 મહિના પહેલાં થયેલી હત્યા કેસમાં અમિતની પોલીસે ધરપકડ કરીને સાબરમતી સેન્ટ્રલ જેલના હવાલે કર્યો હતો. થોડાક દિવસ પહેલાં અમિત પેરોલ પર છૂટીને બહાર આવ્યો હતો અને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને નાસતો ફરે છે. રૂપિયાની જરૂર હોવાથી તેણે ગૌતમ પાસે રૂપિયાની માગણી કરી હતી.

વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસે આવેલા સુમીનનગરમાં રહેતો અને મોબાઈલ શોપમાં નોકરી કરતો ગૌતમ સિંધવ પર મોડી રાતે 8:30 થી 9:00 વાગ્યાની આસપાસ બાઇક પર આવેલા બે શખસે તમંચા વડે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગૌતમના ખભા, પેટ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ પરેશ સોલંકીએ જણાવ્યું કે આ ફાયરિંગ પાછળ અમિત ઉર્ફે ગાંડા નામના યુવકની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અપહરણ, ખંડણી જેવા ગુનામાં સંડોવાયેલો કુખ્યાત ચિંતન શાહ, અમિત અને ગૌતમ એક જમાનામાં સારા મિત્રો હતા. ચિંતન અને અમિતે ગુનાઇત દુનિયામાં પગલું ભરતાં ગૌતમે તેમને દોસ્તી તોડી નાખી હતી. બાપુનગર વિસ્તારમાં 9 મહિના પહેલાં એક હત્યા થઇ હતી. જેમાં અમિતની સંડોવણી સામે આવી હતી.

અમિત થોડાક સમય પહેલાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છૂટીને આવ્યો છે ત્યારબાદ તે પેરોલ જમ્પ કરીને નાસતો ફરે છે. ગૌતમે એક સમયે અમિતને 20 હજાર રૂપિયા આપ્યા હતા. અમિતે ગૌતમ પાસે રૂપિયાની માગણી કરી હતી. જોકે ગૌતમે રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં તેના પર ફાયરિંગ કર્યું છે. હાલ અમિત અને તેની પાછળ બેઠેલા અન્ય યુવકની શોધખોળ ચાલી રહી છે.
http://sambhaavnews.com/

You might also like