બેન્ક મેનેજરનાં એકાઉન્ટમાંથી રૂપિયા થઇ ગયા ટ્રાન્સફર, પોલીસ સ્ટેશનમાં કરાઇ ફરિયાદ

અમદાવાદ: બોપલ વિસ્તારમાં રહેતા અને ચાંગોદર ખાતે અાવેલી કંપનીના મેનેજર તરીકે નોકરી કરતા યુવકના બે બેન્કનાં ખાતાંમાંથી રૂ. ૩૧,૦૦૦ કોઈ વ્યક્તિઅે અન્ય બેન્કનાં ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધા હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બોપલ પોલીસે હાલ અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ અલાહાબાદના રહેવાસી અને હાલમાં સાઉથ બોપલ ગાલા અાર્ય એપાર્ટમેન્ટમાં નીલાંકુર શ્રીવાસ્તવ (ઉ.વ. ૩૦)છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં રહે છે. નીલાંકુર ચાંગોદર ખાતે અાવેલી એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઅોનું પાલડી એચડીએફસી બેન્કમાં સેવિંગ એકાઉન્ટર અાવેલું છે અને અન્ય એક ખાતું અલાહાબાદ ખાતે એચડીએફસી બેન્કમાં છે.

શુક્રવારે સવારે નીલાંકુરના મોબાઈલમાં એક મેસેજ અાવ્યો હતો જેમાં વિકાસ હરિશંકર રાય નામની વ્યક્તિઅે પાલડીની એચડીએફસી બેન્કમાંથી રૂ. ૧૮ હજાર અને અલાહાબાદ ખાતેની શાખામાંથી રૂ. ૧૩,૦૦૦ એમ મળી કુલ ૩૧ હજાર જેટલા અાઈસીઅાઈસીઅાઈ બેન્કનાં ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધા હતા. રાત્રે ૩ વાગ્યાની અાસપાસ અા ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી અા અંગે નીલાંકુરે અેચડીએફસી બેન્કમાં અોનલાઈન અરજી કરી હતી અને ખાતું બંધ કરાવી દીધું હતું. વિકાસ રાય નામની વ્યક્તિઅે બે એકાઉન્ટ હેક કરી અને કુલ રૂ. ૩૧ હજાર અોનલાઈન ટ્રાન્સફર કરી દીધા હોઈ અા અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like