ડોલર સામે રૂપિયો ૬૭ને પાર કરી ગયો

અમદાવાદ: આવતી કાલથી બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થઇ રહી છે, જેમાં વ્યાજદર વધવાની શક્યતા ઊંચી છે, જેની અસરે રૂપિયામાં રોકટ ગતિએ નરમાઇ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો બે વર્ષના નીચલા સ્તરે ૬૭ની સપાટી ક્રોસ કરી ૬૭.૦૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. આમ, શરૂઆતે જ ડોલર સામે રૂપિયો ૨૧ પૈસા તૂટ્યો હતો.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકી ડોલરની મજબૂતાઇની અસરે દુનિયાના અગ્રણી દેશોના ચલણના મૂલ્યમાં ઘટાડો થયો હતો. રૂપિયાની નરમાઇના કારણે આયાતકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેઓના કહેવા પ્રમાણે રૂપિયાની નરમાઇ આગામી દિવસોમાં વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. ટંૂકા સમયગાળા માટે ડોલર સામે રૂપિયો ૬૬.૯૦થી ૬૭.૨૦ની સપાટીની વચ્ચે ટ્રેડિંગમાં જોવાઇ શકે છે.

દરમિયાન ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર જે રીતે મજબૂત થઇ રહ્યો છે તેને જોતા આગામી આઠથી બાર મહિનામાં રૂપિયો ૬૭-૭૦ની સપાટીએ પણ જઇ શકે છે.

તેઓના કહેવા પ્રમાણે ડોલર મજબૂત થયો છે તથા ફેડરલ રિઝર્વની પોલિસીમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર વધુ મજબૂત થઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ભારત સહિત દુનિયાના અગ્રણી દેશોના ચલણનાં મૂલ્યમાં વધુ ઘટાડો જોવાઇ શકે તેમ છે.

You might also like