ચાલુ વર્ષે રૂપિયો 72ની સપાટીએ પહોંચે તેવી શક્યતા…

મુંબઇ: પાછલા દિવસોમાં રૂપિયો તેની સર્વોચ્ચ નીચી સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો, જોકે ત્યાર બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરીથી રૂપિયામાં મજબૂતાઇની ચાલ નોંધાઇ છે. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૮.૭૧ના મથાળે બંધ જોવા મળ્યો હતો, જોકે ભારતીય કંપનીઓ દ્વારા ટૂંકા ગાળાની લોનનાં ચૂકવણાંને પગલે રૂપિયામાં વધુ ધોવાણ થઇ શકે છે.

નિષ્ણાતોના મત મુજબ રૂપિયો ૭૨ને મથાળે જોવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં આઠ સપ્તાહમાં દેશમાં વિદેશી મુદ્રા ભંડારમાં ૨૦ અબજ ડોલરનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્કે ફોરવર્ડ માર્કેટમાં ૨૦ અબજ ડોલરનું વેચાણ કર્યું છે.

દેશમાં શોર્ટ ટર્મ લોન ૨૨૨ અબજ ડોલર છે, જે દેશના વિદેશી મુદ્રા ભંડારની અડધા કરતા પણ વધુ છે. આ લોન ભારતીય કંપનીઓએ વિદેશમાંથી ઓછા રેટ પર લીધી છે. રૂપિયાનાં ધોવાણને પગલે કેટલીક કંપનીઓના નફા ઉપર પણ અસર થવાની ભીતિ સેવાઇ રહી છે.

આગામી ત્રિમાસિક સમયગાળામાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધારો થવાનાં એંધાણ છે. એટલું જ નહીં ડોલરની માગને પગલે રૂપિયો વધુ તૂટી ૭૨ની સપાટીએ પહોંચી શકે છે. બાર્કલેઝના અર્થશાસ્ત્રીના મત મુજબ ક્રૂડના ભાવ વધી રહ્યા છે તો બીજી બાજુ ચાલુ ખાતાની ખાધમાં પણ વધારો થઇ રહ્યો છે. એફઆઇઆઇ વધુ રોકાણને લઇને અનિશ્ચિત છે, જેના પગલે ૨૦૧૮ સુધીમાં રૂપિયો ૭૨ની સપાટી સુધી જઇ શકે છે.

અત્યાર સુધીમાં રૂપિયો ૭.૩૫ ટકા તૂટ્યો
ચાલુ વર્ષે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીમાં ૭.૩૫ ટકા તૂટ્યો છે. એફઆઈઆઈ દ્વારા રોકાણ પાછું ખેંચાતા તથા ક્રૂડમાં જોવા મળેલા સતત સુધારાના પગલે રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું છે.

You might also like