શેરબજાર સામાન્યઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ, રૂપિયો ૨૫ પૈસાનાં વધારા સાથે ખૂલ્યો ૭૨.૦૬ની સપાટીએ

શેરબજારમાં આજે શરૂઆત સામાન્ય રહી હતી. સેન્સેક્સ ૩.૭૬ પોઇન્ટ વધીને ૩૫,૧૪૫ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪.૩ પોઇન્ટ વધીને ૧૦,૫૮૦ પર ખૂલી હતી. ત્યાર બાદ સેન્સેક્સમાં ૧૦૦ પોઇન્ટનો વધારો થયો હતો અને નિફ્ટી ૧૦,૬૦૦ની સપાટી પાર કરી ગઇ હતી, પરંતુ ફરી પાછું શેરબજાર પછડાયું હતું અને અત્યારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ છે.

સેન્સેક્સ આ લખાઇ રહ્યું છે ત્યારે ૧૭.૬૪ પોઇન્ટનાં ઉછાળા સાથે ૩૫,૧૫૯ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૧.૬૦ પોઇન્ટનાં ઉછાળા સાથે ૧૦,૫૭૭ પર ટ્રેડ કરી રહી છે. જેટ એરવેઝને ટાટા સન્સ ટેક ઓવર કરી રહી છે એવાં સમાચારે જેટ એરવેઝનાં શેરમાં છ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે યસ બેન્કના ચેરમેન અશોક ચાવલાએ રાજીનામું આપતાં યસ બેન્કનો શેર પાંચ ટકા તૂટ્યો હતો.

આઇટી, ફાર્મા, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેપિટલ ગુડ્સ શેરમાં લેવાલી જોવા મળી રહી છે, જોકે બેન્કિંગ અને મેટલ શેર દબાણમાં છે. બેન્ક નિફ્ટી ફ્લેટ રહીને ૨૫,૯૧૬ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. ટાઇટન, હીરો મોટો, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એલએન્ડટી જેવાં શેરમાં ૦.૯થી લઇને ૨ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જ્યારે યસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, ટાટા સ્ટીલ, ઓએનજીસી જેવા શેર ૦.૬થી ૬.૫ ટકા સુધી ઘટ્યાં છે.

ડોલરની તુલનાએ રૂપિયો આજે ૨૫ પૈસાનાં વધારા સાથે ૭૨.૦૬ની સપાટીએ ખૂલ્યો છે. ગઇ કાલે પણ રૂપિયો મજબૂત હતો અને ૩૬ પૈસાના વધારા સાથે રૂપિયો ૭૨.૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

You might also like