સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ ડાઉન, ડોલરને મુકાબલે રૂપિયો ૭૧.૨૮ની નીચી સપાટીએ

ગ્લોબલ બજારનાં કારણે ઘરેલુ શેરબજારમાં સુસ્તીના સંકેત જોવા મળી રહ્યા છે. ભારતીય બજારની શરૂઆત આજે નજીવી તેજી સાથે થઇ છે અને સેન્સેક્સ ૩૮,૩૫૫ની સપાટી પર છે, જ્યારે નિફ્ટી ૧૧,૫૯૦ની નજીક જોવા મળી છે.

આજના ટ્રેડિંગમાં દિગ્ગજ શેર સાથે સ્મોલેકપ શેરમાં નજીવી તેજી જોવા મળી છે, જોકે મિડકેપ શેરમાં નબળાઇ દેખાઇ રહી છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૦૭ ટકાના નજીવા વધારા સાથે ૧૭,૧૭૫ પર ટ્રેડ કરી રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ ૦.૧૩ ટકા ગગડીને ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ શેરમાં વેચવાલીને લઇને બેન્ક નિફ્ટી ૨૫૦ પોઇન્ટ એટલે કે ૦.૩ ટકા તૂટીને ૨૭,૭૪૦ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

આજે ટ્રેડિંગમાં બજાર પોતાની પ્રારંભિક તેજીને ટકાવી શક્યું ન હતું અને થોડી વાર બાદ બજાર પર વેચવાલી હાવી થઇ ગઇ હતી. પ્રથમ દોઢ કલાકમાં સેન્સેક્સ ૧૧૧ પોઇન્ટ તૂટીને ૩૮,૨૦૧ની સપાટી પર આવી ગયો હતો. નિફ્ટી પણ ૭૫ પોઇન્ટ તૂટીને ૧૧,૫૩૭ની સપાટીએ ટ્રેડ કરી રહી હતી, જોકે રૂપિયો તૂટવાના કારણે આઇટી શેરમાં તેજી જોવા મળી રહી છે.

ડોલરની તુલનાએ રૂપિયો આજે સૌથી નીચી સપાટએ ખૂલ્યો છે. રૂપિયો આજે સાત પૈસા ઘટીને ૭૧.૨૮ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો ગઇ કાલે પણ તૂટ્યો હતો. ગઇ કાલે ડોલરની તુલનાએ રૂપિયો ૨૨ પૈસા તૂટીને ૭૧.૨૧ની સપાટીએ બંધ થયો હતો. રૂપિયામાં કડાકાના કારણે ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ સદ્ભાવ એન્જિનિયરિંગનાં શેરમાં તેજી જોવા મળી હતી.

You might also like