રૂપિયાના ધોવાણથી પેટ્રો-સોના-ચાંદી સહિત અનેક સેક્ટર પર અસર

અમદાવાદ: રૂપિયામાં તોફાની ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં ક્રૂડમાં જોવા મળેલા ઉછાળાના પગલે ડોલરના વધતા ખરીદીના આકર્ષણની અસરથી રૂપિયો સતત તૂટી રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂપિયો ૫.૬૮ ટકા તૂટી ચૂક્યો છે. ચાલુ વર્ષમાં રૂપિયો એક તબક્કે ૬૮ની સપાટી પણ ક્રોસ કરી દીધી હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં જોવા મળી રહેલા ઉછાળા તથા વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ પાછું ખેંચાતા રૂપિયો સતત ધોવાઇ રહ્યો છે અને તેના કારણે કેટલાય સેક્ટરને અસર થશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

• પેટ્રોલિયમ સેક્ટરઃ
ડોલર સામે રૂપિયાે પાછલા પાંચ મહિનામાં જે રીતે તૂટ્યો છે તેની સૌથી વધુ અસર પેટ્રોલિયમ સેક્ટર પર જોવા મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો કર્યો છે અને તેના કારણે સામાન્ય લોકોના બજેટ ઉપર પણ તેની અસર જોવા મળી છે. તો બીજી બાજુ પેટ્રોલિયમ કંપનીઓ દેવા-બોજા હેઠળ દબાઇ છે અને તેના કારણે પીએસયુ સહિત અન્ય ઓઇલ કંપનીઓના શેરના ભાવમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે.

• સોના-ચાંદી બજારઃ
રૂપિયાે જે રીતે ધોવાયો છે તેને જોતાં સોના-ચાંદી બજારમાં પણ તેની અસર થશે. ચાંદીના ભાવમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂ. ૧,૫૦૦નો વધારો જોવાઇ ચૂક્યો છે. એ જ પ્રમાણે સોનાના ભાવમાં પણ રૂ. ૧,૭૦૦નો વધારો નોંધાઇ ચૂક્યો છે. રૂપિયામાં ઘટાડાના પગલે સોના-ચાંદીના બજારમાં પણ માગમાં ઘટાડો નોંધાયો હોવાનો મત બજારના જાણકારો દ્વારા વ્યક્ત કરાયો છે.

• ઓટો સેક્ટરઃ
દેશમાં ઓટોમોબાઇલ સેક્ટરનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે. કેટલાક ઓટો કોમ્પોનન્ટ્સની મોટા પ્રમાણમાં આયાત થાય છે. રૂપિયાની નરમાઈની ચાલના પગલે ઓટો સેક્ટરને સીધી અસર થશે તેવી ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. ખાસ કરીને પેસેન્જર કાર અને હેવી ડ્યૂટી મોટર વિહિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીને સીધી અસર થશે. આમ, રૂપિયાની નરમાઇ ઓટો કંપનીઓની મુશ્કેલીઓ વધારશે.

• ટેક્સટાઈલ સેક્ટરઃ
રૂપિયામાં નોંધાયેલા ધોવાણના પગલે કૃત્રિમ યાર્નના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે. તેના કારણે કાપડ સહિત તૈયાર વસ્ત્રોના ભાવ પણ ઝડપથી વધ્યા છે. નિકાસને અસર થવાની દહેશત ટેક્સટાઇલ સેક્ટરના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે.

• પાવર સેક્ટરઃ
પાવર કંપનીઓનો આયાત ખર્ચ વધશે. બીજી બાજુ પાવર કંપનીઓ ગ્રાહકો ઉપર ઝડપથી આર્થિક બોજો લાદી શકતી નથી. પાવર કંપનીઓ મોટા ભાગના પાર્ટ્સની પણ આયાત કરે છે. પાવર સેક્ટરમાં પણ નકારાત્મક અસર જોવાઇ શકે છે.

• રિયલ્ટી સેક્ટરઃ
સરકારે છેલ્લા કેટલાક સમયથી રિયલ્ટી સેક્ટર તેમાં પણ ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને રાહત મળે તે રીતે પગલાં લીધાં છે, પરંતુ દેવાના બોજા હેઠળ દબાયેલું રિયલ્ટી સેક્ટર રૂપિયાની નરમાઇના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે. આરબીઆઇએ તાજેતરમાં વધારો કર્યો છે તો બીજી બાજુ માગ પણ નીચી છે. તેથી રિયલ્ટી સેક્ટરમાં પણ અસર જોવાશે.

You might also like