ટ્રેડવોરના પગલે ડોલર સામે રૂપિયો ધડાકાભેર તૂટ્યો

અમદાવાદ: આજે શરૂઆતે જ ડોલર સામે રૂપિયો ધડાકાભેર ૨૦ પૈસા તૂટ્યો હતો. શરૂઆતે રૂપિયો ૬૫.૪૦ની સપાટીએ ખૂલ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટ્રેડ વોરના પગલે ભારતની નિકાસમાં ઘટાડો થાય તેવી શક્યતા પાછળ તથા સ્થાનિક ઇક્વિટી બજારની નરમાઇના પગલે ડોલરની વધતી જતી ખરીદી પાછળ રૂપિયામાં મજબૂતાઇની ચાલ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૫.૨૦ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભૂ-ભૌગોલિક ટેન્શન વધી રહ્યું છે. અમેરિકા સહિત દેશોએ સીરિયા પરના હુમલા બાદ રશિયા પણ વધુ અગ્રેસિવ બન્યું છે અને તેના કારણે રાજકીય માહોલ સહિત મૂડીબજાર પર પણ તેની અસર જોવા મળી છે અને તેના પગલે રૂપિયામાં ઝડપથી ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રૂપિયાની નરમાઇના પગલે આયાતકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આયાત પડતર ઊંચી આવવાની શક્યતા પાછળ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સહિત ઇલેક્ટ્રોનિક ગુડ્સ, અન્ય આયાતી ચીજવસ્તુઓ મોંઘી થાય તેવી દહેશત કરાઇ છે.

You might also like