IPLમાં ધોની બન્યો બ્રેડમેનઃ 100થી વધુની સરેરાશથી રન બનાવી રહ્યો છે

મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ ઘણા સમય પહેલાં છોડી દીધી હોય, પરંતુ તે આજે પણ ભારતીય ક્રિકેટરોમાં સૌથી મોટો સ્ટાર છે. આની પાછળ ફક્ત એમ. એસ. ધોનીનું સ્ટારડમ નહીં, બલકે શાનદાર પ્રદર્શન છે. ક્રિકેટની દુનિયામાં હાલ IPLનો જાદુ પથરાયેલો છે અને ધોની આ લીગની વર્તમાન સિઝનનો સૌથી વધુ સરેરાશથી રન બનાવનારો ક્રિકેટર છે. તેની સરેરાશ એટલી વધારે છે કે જો તેને IPL-૧૨નો ડોન બ્રેડમેન કહેવામાં આવે તો પણ જરાય ખોટું નહીં હોય. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડોન બ્રેડમેને બાવન ટેસ્ટમાં ૯૯.૯૪ની સરેરાશથી ૬૯૯૬ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની સરેરાશની આસપાસ હજુ સુધી કોઈ ફરકી શક્યું નથી.

ચેન્નઈનું નેતૃત્વ સંભાળી રહેલાે ધોની IPLની વર્તમાન સિઝનમાં ગત ૨૩ એપ્રિલ સુધી ૧૦ મેચ રમ્યો છે, જેની સાત ઇનિંગ્સમાં તેણે ૩૧૪ રન બનાવ્યા છે. ધોનીએ ૧૭ ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા છે. ધોની સાત ઇનિંગ્સમાં ફક્ત ત્રણ વાર આઉટ થયો છે અને તેની સરેરાશ ડોન બ્રેડમેન કરતાં પણ વધુ એટલે કે ૧૦૪.૬૬ છે. તેણે આ રન ૧૩૭.૧૧ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ધોની ૧૨મા નંબર પર છે.

IPL-૧૨માં ધોની બાદ સૌથી વધારે સરેરાશ સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરની છે, જેણે આ સિઝનમાં સૌથી વધુ ૫૭૪ રન બનાવ્યા છે. વોર્નરની સરેરાશ ૭૧.૭૫ની છે. સૌથી વધુ સરેરાશના મામલે કોલકાતા તરફથી રમતા આન્દ્રે રસેલ ત્રીજા નંબર પર છે. તેણે ૧૦ મેચની નવ ઇનિંગ્સમાં ૬૫.૩૩ની સરેરાશથી ૩૯૨ રન બનાવ્યા છે. રસેલ IPLમાં સૌથી વધુ ૪૧ છગ્ગા ફટકારનારો બેટ્સમેન છે.

સાત બેટ્સમેનની સરેરાશ ૫૦થી વધુ
IPLની વર્તમાન સિઝનમાં સાત બેટ્સમેને ૫૦થી વધુની સરેરાશથી રન બાવ્યા છે. પહેલા ત્રણ સ્થાન પર ક્રમશઃ ધોની, વોર્નર અને રસેલ છે. ચોથા નંબર પર આશ્ચર્યજનક રીતે સ્ટુઅર્ડ બિન્નીનું નામ આવે છે. બિન્ની આ વર્ષે ચાર મેચ રમ્યો છે. આ ચાર મેચની ત્રણ ઇનિંગ્સમાં બિન્નીએ ૫૯.૦૦ની સરેરશથી ૫૯ રન જ બનાવ્યા છે. કે. એલ. રાહુલ (૫૭ની સરેરાશથી ૩૯૯ રન), ત્યાર બાદ જોની બેરિસ્ટો ૫૫.૬૨ની સરેરાશથી ૪૪૫ રન) અને ક્રિસ ગેલ (૫૨.૬૨ની સરેરાશથી ૪૨૧ રન)નો નંબર આવે છે.

સમયની સાથે નીખરી રહ્યાો છે માહી
અત્યાર સુધીની પોતાની ક્રિકેટ કરિયરમાં ધોનીએ બેટ્સમેન, વિકેટકીપર અને કેપ્ટન- એમ ત્રણેય ભૂમિકા શાનદાર રીતે નિભાવી છે. સમયની સાથે માહી વધુ ને વધુ નીખરી રહ્યો છે. આંકડા સાક્ષી પૂરે છે કે ઘરડા સિંહની માફક ધોની પોતાની કરિયરના અંતિમ તબક્કામાં વધુ ઘાતક બની રહ્યો છે. છેલ્લી બે IPL સિઝનના આંકડા પર નજર કરીએ તો જાણવા મળશે કે ધોનીની ઝડપ અને ચપળતા પર ઉંમરની કોઈ અસર દેખાતી નથી. અંતિમ ઓવર્સમાં ધોની સ્ટ્રાઇક પોતાની પાસે રાખવાનું પસંદ કરી રહ્યો છે. મેચનું પ્રેશર ધોની ખુદ પર લઈ લે છે.

You might also like