મીઠાની તંગીની અફવા, લોકો પાંચથી દસ ગણા ભાવે નિમક ખરીદવા લાગ્યા

દેશભરમાં મીઠાની તંગી હોવાની અફવા ફેલાઈ છે, જેના કારણે લોકો મીઠું ખરીદવા માટે દુકાનોમાં ઊમટી પડ્યા હતા. દિલ્હી, હિમાચલ અને યુપી સહિતના રાજ્યોમાં આ પ્રકારની અફવાને પગલે મોટી સંખ્યામાં લોકો કરીયાણાની દુકાને ઉમટી પડ્યા હતા. અને માત્ર નજીવી કિંમતે મળતું મીઠું 500 રૂપિયા કિલોના ભાવે વેચાયું હતું.

દેશભરમાં મીઠાની તંગી હોવાની ફેલાયેલી અફવાને પગલે નાગરિકોએ દોડદોડ કરી છે. તો ગુજરાતના પ્રધાન જયેશ રાદડિયાએ વીટીવી સાથે કરેલી વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં પુરવઠો પર્યાપ્ત માત્રામાં છે. જોકે મીઠાની તંગી હોવાથી અને તેના ભાવ 500 રૂપિયા સુધી પહોંચી ગયા હોવાની અફવા ફેલાતા અમદાવાદમાં મોડી રાતે મીઠું ખરીદવા દુકાનોમાં લાઈનો લાગી હતી.

જાણકારી મુજબ જીવરાજ પાર્ક પાસે મીઠું ખરીદવા માટે લોકોનું મોટું ટોળું ઘસી આવ્યું હતુ. અને ડીમાર્ટમાં તોડફોડ કરી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ઉપરાંત અમદાવાદના વટવા, શાહપુર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં પણ મીઠું ખરીદવા માટે લોકોએ કરી પડાપડી.

You might also like