કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

728_90

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના બ્રિજ પર ધાર્મિકવિ‌િધમાં વપરાયેલી પૂજા સામગ્રીના નિકાલ માટે મુકાયેલા કળશનો વિવાદ ઊઠ્યો છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા પૂજાપાના નિકાલની કામગીરીમાં ખુલ્લાઆમ ધાંધિયાં થઇ રહ્યાં છે, જોકે સત્તાધારી ભાજપ સાથે એક અથવા બીજા પ્રકારે આ કોન્ટ્રાક્ટરો સંકળાયેલા હોઇ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવા છતાં ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરાતા હોવાના ગંભીર આક્ષેપ ઊઠ્યા છે.

તંત્ર દ્વારા મધ્ય ઝોનમાં સુભાષબ્રિજ, દધી‌િચબ્રિજ, ગાંધીબ્રિજ એમ ત્રણ બ્રિજ પર ‌િબ્રજદીઠ બે કળશ મૂકીને કળશમાં એકઠી થયેલી પૂજા સામગ્રીનો તિલક ગાર્ડન ખાતે સે‌િગ્રગેશન કરીને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. દરેક કળશ માટે એક કામદાર-કમ-ચોકીદાર સવારના સાતથી રાતના દશ વાગ્યા સુધી રાખવાની શરત ટેન્ડરમાં કરાઇ છે.

કળશ ભરાઇ જાય ત્યારે દર બે બ્રિજદીઠ એક વાહન સાથે નક્કી કરેલી જગ્યા ખાતે પૂજા સામગ્રીનો બાયો-‌િડગ્રેડેબલ સામગ્રી અને નોન બાયો-‌િડગ્રેડેબલ સામગ્રીમાં નિકાલ કરવાનું પણ ફર‌િજયાત છે. કળશને ખાલી કરવાની કામગીરીમાં ‌િટ્રપની કોઇ મર્યાદા રખાઇ નથી. ટેન્ડરની શરતમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરાયો છે કે જ્યારે પણ કળશ ભરાઇ જાય ત્યારે તુરત ખાલી દેવાના રહેશે.

રવિવાર, જાહેર રજા કે તહેવારોના દિવસોમાં પણ કળશ ખાલી કરવાની કામગીરી કરવાની રહેશે. જે દિવસે વાહન કે કામદાર નહીં ફાળવાય તે દિવસે કોન્ટ્રાકટરને વાહનના પ્રત્યેક દિવસ માટે રૂ.૪૦૦ તથા કામદારના પ્રત્યેક દિવસ માટે રૂ.૩૦૦ પેનલ્ટી કરાશે. જો દિવસે કામગીરી સંતોષકારક નહીં જણાય તો તેવા સંજોગોમાં પણ પ્રતિ દિવસની ઓછામાં ઓછી રૂ.ર૦૦ની પેનલ્ટી કરાશે. કોન્ટ્રાક્ટરના વાહનમાં જીપીએસ સિસ્ટમ બેસાડેલી હોવી પણ ફર‌િજયાત છે.

સત્તાવાળાઓએ આ પ્રકારની શરતો હેઠળ પશ્ચિમ ઝોનના તાબા હેઠળ આવેલા સરદારબ્રિજ, આંબેડકરબ્રિજ, નહેરુબ્રિજ અને એ‌િલસબ્રિજ પરના કળશ માટે પણ લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તંત્ર દ્વારા બન્ને કોન્ટ્રાક્ટરને પ્રતિદિન પ્રતિબ્રિજ રૂ.૮૯૮નો ભાવ ચૂકવાઇ રહ્યો છે.

જોકે આ બન્ને કોન્ટ્રાક્ટમાં સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા ભાગ્યે જ ટેન્ડરની શરતોનું પાલન થઇ રહ્યું છે. દિવસો સુધી કળશ ખાલી કરાતા ન હોઇ તે છલોછલ થવાના કારણે બ્રિજ પર પૂજા સામગ્રી વિર-વિખેર હાલતમાં ફેલાય છે. જે અન્ય લોકોની અડફેટે પણ ચઢતી હોઇ આવાં દૃશ્ય જોઇને શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. અમુક બ્રિજ પર ઢળી પડેલા કળશ નજરે પડે છે. કળશ પર ક્યારેક કાચો મંડપ બંધાય છે. આ તમામ બાબતો આંખને ખૂંચે તેવી હોઇ આનાથી બ્રિજનું બ્યુ‌િટફિકેશન પણ બગડે છે.

દરમિયાન કળશની પૂજા સામગ્રીની સલામતી માટે સ્ટેન્ડ-ટુ-કામદાર કે ચોકીદાર રખાતો નથી. તિલકબાગ ખાતે પૂજા સામગ્રીનું વ્યવસ્થિત સે‌િગ્રગેશન કરાતું નથી, કોન્ટ્રાક્ટર દ્વારા જીપીએસ સિસ્ટમ આધારિત વાહનના બદલે ટ્રેક્ટર દ્વારા પૂજા સામગ્રી લઇ જવાય છે તેવા ગંભીર આક્ષેપ કોંગ્રેસના સામા‌િજક કાર્યકર જોહર વોરાએ કર્યા છે.

બ્રિજના કળશની દેખરેખ તથા એકઠી થતી પૂૂજા સામગ્રીના નિકાલની કામગીરી માટે બે વાહન તેમજ કળશદીઠ એક સ્ટેન્ડ-ટુ-કામદાર રાખીને તેના નિકાલ માટે મ્યુનિસિપલ તિજોરીમાંથી મધ્ય ઝોનના કોન્ટ્રાક્ટરને વર્ષે રૂ.૩૦ લાખ ચૂકવવાનો ખર્ચ મંજૂર કરાયો છે, પરંતુ શાસકો સાથેની સાઠગાંઠના કારણે કામગીરીનાં ધાંધિયાં અને ગેરરી‌િતને અટકાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે તેવું જણાવતા જોહર વોરા વધુમાં ઉમેરે છે, આના કારણે નદીમાં પૂજા સામગ્રી ઠલવાવાનું પ્રમાણ જાણ્યે-અજાણ્યે વધતું જતું હોઇ નદીને સ્વચ્છ રાખવાનો તંત્રનો ઉદ્દેશ જળવાતો નથી તેમજ દેશ-વિદેશના મહાનુભાવો આ બ્રિજ પરથી પસાર થતા હોઇ શહેરની ખરાબ છબી ઊભી થઇ રહી છે.

You might also like
728_90