નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આવા નંબર પ્લેટ વગર ફરતા તમામ વાહનોના ડેટા આરટીઓએ હવે મેળવી લીધા છે. આરટીઓને જાણવા મળ્યું છે કે શહેરની સડકો ઉપર આવા ૧૦૦૦થી વધુ વાહનો નંબર પ્લેટ વગર બેફામ સ્પીડે કે કાળી ફિલ્મ લગાવીને બેરોકટોક ફરી રહ્યા છે. આવા વાહનો પર હવે આરટીઓ કડક હાથે કામ લેશે એટલું જ નહીં તેના માટે ડીલરને પણ જવાબદાર ગણશે.

રાજ્ય સરકારે આરટીઓને બદલે શો રૂમ ધારકો વાહનોનાં રજિસ્ટ્રેશન અંગેની કામગીરી અને તે અંગેના કાગળો કે ડોક્યુમેશનની જવાબદારી સોંપી છે. તેમજ તેમને ડિમ્ડ આરટીઓની પણ માન્યતા આપી છે. ત્યારે શો રૂમમાં વાહન ખરીદ્યા પછી તે અંગે નંબર મેળવી નોંધ કરાવવા માટે આરટીઓમાં પ્રત્યક્ષ નહીં આવનાર વાહન માલિકો અંગે અમદાવાદ આરટીઓ દ્વારા ડીલરને જાણ કરીને કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તે પહેલાં વાહન માલિકોને પકડી પાડવા જ્યાં ત્યાં રજિસ્ટર્ડ થયેલા ડીલરોને નોટિસ મોકલવાનું શરૂ કરાયું છે.

આવા વાહનોમાં ટ્રકથી લઈને ટુ વ્હીલર સુધીનાં તમામ પ્રકારનાં વાહનો હોવાનું આરટીઓ એસપી મુનિયાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આવા વાહનોને અકસ્માત વીમો મળશે નહીં. આવાં વાહનો ગુનાહિત પ્રવૃત્તિ માટે પણ વપરાઈ શકે તેવી શક્યતા હોવાથી કડક હાથે કામ લેવાશે.

નંબર વગર ફરતાં વાહનોના માલિકો કોઈ પણ પ્રકારના કર વગર બેફામ સ્પીડે વાહન ચલાવતા જોવા મળ્યાની ફરિયાદો અવારનવાર તંત્રને મળતી રહે છે. આવા વાહન માલિકો એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનો સાદો કાગળ વાહન પર ચોંટાડીને બ્લેક ફિલ્મ પણ લગાવીને ટ્રાફિકમાં નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે.

પહેલાં આવાં વાહનોના મેન્યુઅલ રેકોર્ડ રાખવામાં આવતા હતા. તેથી તેની માહિતી મેળવવામાં સમય લાગતો હતો. તેથી આવાં વાહનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતાં હોવાની પણ શંકા હતી. હવે વાહન-૪ સોફ્ટવેરના કારણે વાહન રજિસ્ટ્રેશનના સ્પષ્ટ આંક આરટીઓ પાસે છે. શો રૂમમાંથી વાહન ખરીદ્યા પછી તેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર વાહન ફરશે તો આરટીઓ તેને ઝડપી લેશે.

You might also like