અારટીઓની કામગીરી હજુ બે દિવસ સુધી ખોરવાયેલી રહેશે

અમદાવાદ: અમદાવાદ સુભાષબ્રિજ ખાતે આવેલી આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થવાની સમસ્યા અવારનવાર સર્જાય છે ત્યારે વધારામાં તંત્રનાં કમ્પ્યૂટર રેન્સમવેર વાઈરસના એટેકનો ભોગ બનતાં લાઇસન્સ સહિતની કામગીરી માટે નોકરી-ધંધા-રોજગારમાં રજા પાડી આરટીઓ કચેરીએ પહોંચેલા લોકોને તેમની કામગીરી માટે હજુ બીજો ધક્કો ખાવો પડશે.

ગઇ કાલથી જ આરટીઓની કમ્પ્યૂટર સિસ્ટમ ઠપ થઇ છે. સિસ્ટમની કામગીરી રાબેતા મુજબ શરૂ થતાં હજુ બે દિવસ લાગે તેમ હોઇને હાલની અને આગામી એપોઇન્ટમેન્ટ લઇ ચૂકેલા વાહન માલિકોને નવી તારીખ-એપોઇન્ટમેન્ટ આપવામાં આવ્યા બાદ આરટીઓ કચેરીએ ફરી ધરમ ધક્કો ખાવો પડશે. ગઇ કાલે તમામ ઉમેદવારને નવી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. કમ્પ્યૂટર સિસ્ટમ બંધ થતાં ખાસ કરીને કાચાં-પાકાં લાઇસન્સ, ડુપ્લિકેટ લાઇસન્સ, લાઇસન્સ રિન્યૂઅલ, વાહન રજિસ્ટ્રેશન, વાહન ફિટનેસ સહિતની કામગીરી ખોરવાઇ છે. હવે ફરી ઉમેદવારોને પાછા પોતાના ધંધા-રોજગાર કે નોકરીમાં રજા રાખીને ગરમીમાં આરટીઓનો ધક્કો ખાવો પડશે. આરટીઓની સુભાષબ્રિજની કચેરીમાં દરરોજની ૩૫૦૦ લોકોની અવરજવર રહે છે. લર્નિંગ લાઇસન્સ માટે ૫૮૦નો સ્લોટ પ્રતિદિન ફાળવણી થાય છે. જ્યારે ડુપ્લિકેટ લાઇસન્સ માટે ૨૫, લાઇસન્સ રિન્યૂઅલ માટે ૧૫૦, પાકાં લાઇસન્સ માટે ૨૨૫ સહિત લાઇસન્સ અંગેની કામગીરી ૧૦૦૦ની આસપાસની રહે છે.

આરટીઓ જી.એસ. પરમારે કહ્યું હતું કે ટાઇમ સ્લોટ વધારવો પડે તો વધારીને પણ બધા ઉમેદવારોને આ સપ્તાહમાં સમાવી લેવાનો પ્રયત્ન કરાશે. આ તમામ ઉમેદવારોની એપોઇન્ટમેન્ટ ૨૧ મે સુધીમાં આરટીઓએ ફરજિયાતપણે પૂરી કરવી પડશે, કારણ કે ૨૨ મેથી દરેક ડીલર્સ દ્વારા વાહનનું વેચાણ કરવાની ના કહી છે. વાહન-૪ના સોફ્ટવેરની કામગીરી અપડેટ કરવાની હોઇને ડીલર્સને નવા વાહન માટે ફાળવવામાં આવતાં ટેમ્પરરી નંબર ફાળવવાનું બંધ કરાશે, જેથી કોઇ જ ડીલર વાહન-૪નું સોફ્ટવેર અપડેટ થઇ કાર્યરત ન થાય ત્યાં સુધી નવું વાહન વેચી શકશે નહીં.
http://sambhaavnews.com/

You might also like