RTOનું સર્વર હેક કરીને ડ્રાઇવિંગ લાઇસન્સમાં ચેડાં કરાયાં

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી આપવાનું કાૈભાંડ સામે આવ્યું હતું. આરટીઓના સર્વરના લોગ ઈન આઇડી પાર્સવર્ડ હેક કરીને આ કૌભાંડ આચવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મકરબા-સરખેજ વિસ્તારમાં આવેલ અલ્બુર્ઝ ફ્લેટમાં રહેતા અને આરટીઓમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારના અધિકારી તરીકે ફરજ બજાવતા શબ્બીરભાઇ મોજણીદારે ક્રાઇમ બ્રાંચમાં ચીટિંગની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે રાજ્યની તમામ આરટીઓમાં વર્ષ ૨૦૧૦ પહેલાના લાઈસન્સ ધારકોનો તમામ ડેટાને બેકલોગમાં ગણવામાં આવે છે અને વર્ષ ૨૦૧૦ પછીના તમામ ડેટા ઓનલાઇન થાય છે. લાઈસન્સ ધારકોનો તમામ ડેટા અપલોડ કરવા માટે સારથી-૪ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૦ પહેલાનાં તમામ લાઈસન્સ ધારકોની એન્ટ્રી સારથી-૪માં ઓનલાઇન બેકલોગ કરવી પડે છે જેના માટે એક ક્લાર્ક અને આરટીઓ ઇન્સ્પેક્ટરની નિમણુક કરવામાં આવે છે. બેકલોગની તમામ એન્ટ્રી જે ક્લાર્ક દ્વારા કરવામાં આવે છે તેને તપાસીને મંજૂરી આપવાનું કામ ઇન્સ્પેક્ટરની હોય છે. બેકલોગની એન્ટ્રી કરવામાં કોઇ ફેરફાર કરવામાં આવતો નથી. આરટીઓની કરેચીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ સુધીનો હોય છે.

જેમાં આરટીઓના તમામ કામકાજ કરવામાં આવે છે રવિવાર અને જાહેરરજાના સમયે કોઇપણ આરટીઓનું કામ કરવામાં આવતું નથી. સારથી-૪ સોફ્ટવેરને ઓપરેટ કરવા માટે આરટીઓના કર્મચારી લોગ ઈન આઇડી અને પાસવર્ડ આપવામાં આવ્યો છે. લોગ ઈન આઇડી પાસવર્ડ નાખ્યા બાદ કર્મચારીના મોબાઇલમાં ઓટીપી નંબર આવે છે જે નાખ્યા બાદ સિસ્ટમ ઓપરેટ થાય છે.

તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આર.એચ.પટેલને ધ્યાનમાં આવ્યું હતું કે તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ લાઈસન્સ ધારકોની ૮૧ એન્ટ્રી તથા તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ ત્રણ એન્ટ્રી કરવામાં આવી છે. ૨૫ ડિસેમ્બર નાતાલ હોવાથી જાહેર રજા હતી. જ્યારે ૨૬ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૬ વાગે ત્રણ એન્ટ્રી કરવામાં આવી છે.

આર.એચ.પટેલને શંકા જતા તેમને ઊંડાણપૂર્વક તપાસ કરાવી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે ૮૪ લાઈસન્સની એન્ટ્રી ગેરકાયદે કરવામાં આવી છે. આરટીઓના રૂલ્સ રેગ્યુલેશનવનું પાલન કર્યા વગર લાઈસન્સ ધારક જેમની પાસે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું લાઈસન્સ છે, તે લાઈસન્સમાં ફોર વ્હીલર અને હેવી વાહનનાં લાઈસન્સ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. હેવી વ્હીકલ માટે ધોરણ ૮ પાસની લાયકાત હોય છે પરંતુ ગઠિયાઓએ ૮ પાસની લાયકાત નહીં ધરાવતા ૮૪ લોકોને ખોટાં લાઈસન્સ ઇસ્યુ કરી દીધાં છે.

આ તમામ લાઈસન્સની એન્ટ્રી બેકલોગમાં કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં બેકલોગની એન્ટ્રી કલાર્ક ભરત મકવાણા અને અન્ટ્રીને મંજૂરી આપવાનું કામ આરટીઓ ઇન્સ્પેક્ટર નીતેશકુમાર ચૌધરી કરતા હતા. જેમની આ મામલે પૂછપરછ કરતાં તેમને આવી કોઇ એન્ટ્રી કરી નથી તેવું જણાવ્યું હતું. કોઇ અજાણ્યા શખ્સોએ આરટીઓનું સર્વર હેક કરીને સારથી-૪ સોફ્ટવેરને લોગ ઈન આઇડી પાસવર્ડ મેળવીને આ કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે આરટીઓના કર્મચારીઓની પણ સંડોવણી હોય તેવી શક્યાતાઓ દેખાઇ રહી છે.

અમદાવાદની આરટીઓ કચેરીમાં બોગસ દસ્તાવેજોના આધારે વાહનોના રજિસ્ટ્રેશન કરી દેવાનાં કૌભાંડમાં સામે આવ્યું હતું. સાબરમતી પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજો સિવાય વાહનો બારોબાર રજિસ્ટર્ડ કરીને લાખો રૂપિયાની છેતરપિંડ ફરિયાદ નોંધાઇ હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓના લોગ ઈન આઇડી પાસવર્ડનો ઉપયોગ કરીને મોડી રાતે ૧૨ વાગ્યાની આસપાસ વાહનોનું રજિસ્ટ્રેશન આરટીઓ કચેરી માંથી થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

You might also like