અમદાવાદ, બુધવાર
નવા શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯થી શરૂ થનારા આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન) અંતર્ગત થનારી પ્રવેશ પ્રક્રિયાના નિયમોમાં ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. ગત વર્ષ સુધી વાલીઓએ રજૂ કરવાના થતા પુરાવાઓમાં હવે વધારો કરવામાં આવશે.
વર્ષ ર૦૧૭ના શૈક્ષણિક વર્ષમાં સાધન સંપન્ન વાલીઓએ માલિકીનું મકાન હોવા છતાં ભાડેથી રહેતા હોવાના બોગસ પુરાવા અને આવકના બોગસ પુરાવા રજૂ કરીને પોતાનાં સંતાનોનું એડમિશન કરાવ્યું હોવાની અનેક ફરિયાદો અને હકીકતો બહાર આવી હતી.
આ અંગે પ્રાથમિક શિક્ષણના નિયામક એન.આઇ. જોષીએ જણાવ્યું હતું કે, આરટીઇના પ્રવેશના નવા નિયમો બનાવવાની કામગીરી ચાલી રહી છે. નવા સત્રના આરટીઇના પ્રવેશના નિયમોમાં ધરખમ ફેરફારો થશે.
ચાલુ વર્ષે અમીર વાલીઓએ ગરીબ બનીને તેમના બાળકોના પ્રવેશ મેળવ્યા હતા, જેના પગલે નવા નિયમો બનાવાઇ રહ્યા છે. જેમાં વધુ વિગતો વાલીઓ પાસે માગવામાં આવે તેવી શક્યતા છે. જેવી કે રહેઠાણ ક્યાં છે, ભાડાંનું છે કે પોતાનું, મકાનમાં કેટલા ઓરડા છે.
મકાનનાં બાંધકામનો વિસ્તાર કેટલો, મકાનમાં એસી છે, ટીવી છે, ફ્રીઝ છે, વોશિંગ મશીનની સુવિધા છે, ઘરનું લાઇટ બિલ, મોબાઇલ કે ટેલિફોન બિલ, ઘરના સભ્યોની સંખ્યા, બાળકોની સંખ્યા, અન્ય શાળામાં ભણતાં ભાઇ બહેનની શાળાની વાર્ષિક ફી, વાલીનો વ્યવસાય પુરાવા સાથે વાલીની શૈક્ષણિક લાયકાત, પગારનું સર્ટિફિકેટ, પાન નંબર, વાલીએ આવકના દાખલા માટે રજૂ કરેલા પુરાવા, આઇટી રિટર્ન ભરતા હોય તો તેની નકલ, બીપીએલ કાર્ડ સહિતની તમામ માહિતીઓ માગવામાં આવશે.
કેટલાક સંજોગોમાં વાલીઓએ રજૂ કરેલા પુરાવા શંકાસ્પદ જણાશે તો વધુ પુરાવા કે સ્થળ તપાસ બાદ જ એડમિશનની પ્રક્રિયા આગળ હાથ ધરાશે.