શિક્ષા અધિકાર હેઠળ પ્રવેશ માટે સુરતી સ્કૂલોના અખાડા

શિક્ષણ અધિકારના કાયદા (આરટીઈ) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને શાળાઓમાં રપ ટકા સીટો પર મફત પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ ૧પ૦૦ બાળકો માટેની અરજીઓ મગાવી હતી. જોકે જિલ્લા શિક્ષણાધિકારીને પ્રવેશ માટેની રપ૦૦ અરજી મળી હતી, પરંતુ ૧પ૦૦ બાળકોને જ પ્રવેશ આપવાનો હોઈ બાકીનાં બાળકો પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતા ઊભી થઈ છે.

સુરતમાં આટલી બધી શાળાઓ છે ત્યારે આરટીઈ હેઠળ માત્ર ૧પ૦૦ બાળકોને જ પ્રવેશ મળે તે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ.એ આ બાબતે લડત ચલાવવા કમર કસી છે અને જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર આપીને તમામ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મળે તેવી માગ કરી છે, જો એમ નહીં થાય તો તેઓએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ મહામંત્રી રાજુ રબારી કહે છે, “સરકારે જે લક્ષ્યાંક મૂક્યો છે તેના પ્રમાણમાં રપ૦૦ની સંખ્યા ખૂબ નાની છે. સુરત જેવા શહેરમાં આટલી બધી શાળાઓ હોવા છતાં રપ૦૦ બાળકોનો પ્રવેશ ન થઈ શકે તે વાત માન્યામાં આવે તેમ નથી. જો બાળકો પ્રવેશવંચિત રહી જશે તો અમે ઉગ્ર આંદોલન ચલાવીશું.”

You might also like