અારટીઈઃ વિદ્યાર્થીને ગર્લ્સ સ્કૂલમાં પ્રવેશ ફાળવી દીધો!

અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શહેરની શાળાઓમાં બાળકોને પ્રવેશ ફાળવવાની કામગીરી સામે સંખ્યાબંધ ફ‌િરયાદો ઊઠી છે ત્યારે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. આરટીઈમાં પ્રવેશમાં છબરડાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની નાનકડી ભૂલોને સુધારવા માટે ડીઈઓ કચેરી ખાતે વાલીઓનો ધસારો જોવા મળે છે. ડીઈઓ દ્વારા એક વિદ્યાર્થીને ગર્લ્સ સ્કૂલમાં એડમિશન ફાળવી દેવાતાં વાલીઓની કફોડી સ્થિતિ બની ગઈ છે, જ્યારે આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયામાં બે વિદ્યાર્થીઓને બંધ સ્કૂલમાં એડમિશન ફાળવી દીધાં હતાં.

આરટીઈ પ્રવેશ ફાળવણીમાં મોટાપાયે છબરડાની વિગત સામે આવી છે ત્યારે ફરી વાર એક છબરડો બહાર આવ્યો છે. જમાલપુરમાં રહેતા અરકાનહુસેન અલ્તાફહુસેન શેખે આરટીઈ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું, જ્યારે આ વિદ્યાર્થીનો ખમાસા ચકલા, જમાલપુર રોડ પાસે આવેલી રાહે ખેર ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં નંબર આવ્યો હતો. આ નંબરના આધારે સ્કૂલમાં એડમિશન લેવા માટે પહોંચ્યા ત્યારે સ્કૂલ સંચાલકોએ કહ્યું કે આ ગર્લ્સ સ્કૂલ છે. તેથી અહીંયાં એડમિશન નહીં મળે તે સાંભળતાં જ વાલીને જોરદાર આંચકો લાગ્યો હતો તેમજ સ્કૂલ સંચાલકોએ લેટર પેડ પર લખીને ડીપીઓને રજૂઆત કરી કે આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયામાં અરકાનહુસેન શેખને અમારી ગર્લ્સ સ્કૂલમાં એડમિશન ફાળવ્યું છે તો અમે આ સ્કૂલ ગર્લ્સ હોવાથી છોકરાને એડમિશન આપી શકતા નથી.

અમદાવાદના ૧૧,૧૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે, જેમાં ૬૪૩૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૭૦૦૧ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, તેમાંથી ૪પ૭૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. કુલ ૭૦૪૧ બાળકોએ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પ્રવેશ મેળવ્યો છે. હજુ સુધી ૮૦૦ બાળકોને કન્ફર્મેશન આપ્યું નથી. હવેથી વાંધાજનક અરજીઓનો ગાંધીનગરથી નિકાલ કરવામાં આવશે પછી અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું કે વાલીઓના જેન્યુઇન કેસ સાંભળવામાં આવે છે, વાલીઓને ધક્કા ન ખાવા પડે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ, કોઇ પણ સ્કૂલ પ્રવેશ આપવાની મનાઇ કરી શકાશે નહીં તેમજ એક વિદ્યા‌ર્થીની રજૂઆત આવી છે, પરંતુ હાલમાં આ ગર્લ્સ સ્કૂલમાં અેડમિશન ફાળવવામાં આવ્યું તેના વિષે હમણાં કંઈ નહીં કહી શકું.
http://sambhaavnews.com/

You might also like