આરટીઈઃ ગૂગલ મેપથી કરેલી ગરબડોની ફરિયાદો દૂર કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એકટ (આરટીઇ) હેઠળ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં બાળકને તેના ઘરથી ૬ કિલોમીટરના અંતરમાં શાળા ફાળવવાનો નિયમ છે, પરંતુ અમદાવાદના ૭૦થી વધુ અને રાજ્યભરનાં ૪૦૦ જેટલાં બાળકોને આરટીઇ એડમિશન અંતર્ગત જે શાળા ફાળવણી કરાઇ તેમાં દૂરની શાળામાં પ્રવેશ મળ્યો હોવાની વાલીઓની ફરિયાદના પગલે શિક્ષણ વિભાગને ફરજિયાતપણે આ દિશામાં તપાસ કરવાની ફરજ પડી હતી.

આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એન.આઇ. જોશીએ જણાવ્યું હતું કે અમોને ર,૦૦૦થી વધુ વાંધા અરજીઓ મળી છે. તેમાં જેટલી વાંધા અરજીઓ દૂરની શાળાની ફાળવણીની હશે તે તમામ બાળકોને નજીકની શાળામાં પ્રવેશ ફાળવણી શરૂ કરી દેવામાં આવી છે. અક્ષાંશ રેખાંશના આધારે નક્કી થયેલા અંતરના માપ વધઘટવાળા છે તેથી આવી ફરિયાદોને પ્રાથમિકતા અપાઇ છે.

અત્રે ઉલ્લેેખનીય છે કે આરટીઇમાં ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારના બાળકોને આપવામાં આવેલા પ્રવેશમાં ઓનલાઇન પ્રક્રિયા પૂરી થયા પછી કુલ ર,૦૦૦થી વધુ વાંધા અરજીઓનો સ્વીકાર થયો છે. તેમાં ર૦ ટકા વાંધા અરજીમાં દૂરની શાળામાં ફાળવણીની ફરિયાદ છે. ગૂગલ મેપના આધારે નક્કી થયેલા શાળાના અંતર મુજબ મેપના આધારે અક્ષાંશ-રેખાંશ પ્રમાણે સીધું હવાઇ અંતર ઓછું દેખાય અને તે પ્રમાણે પ્રવેશ અપાયો હતો, પરંતુ બાળકને પ્રેક્ટિકલી તે જ રસ્તે પહોંચતાં અંતર વધીને ૭થી ૧૦ કિલોમીટર થઇ જતું હતું. હવે બાળકોને મેન્યુઅલી નજીકની શાળા પસંદ કરવાની પ્રક્રિયા ગાંધીનગરથી હાથ ધરાઇ છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોએ કબૂલ્યું હતું કે મેપના આધારે જોયેલું અંતર અને માર્ગનું અંતર અલગ જ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ૩પ,૯૩૬ ફોર્મ ભરાયાં હતાં. જેમાં અમદાવાદ શહેરની ૮,૦રર અને ગ્રામ્યની ૪પ૦૦થી વધુ અરજી ગ્રાહ્ય રખાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like